<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ૮૫ મેડલ સાથે ઐતિહાસિક પ્રદર્શન: પીએમ મોદીએ દિલ્હીમાં મેડલ વિજેતા ચેમ્પિયન્સ સાથે કરી વિશેષ મુલાકાત

"આપણે દરેક રમતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, દીકરીઓએ દેશનું ગૌરવ વધાર્યું": પીએમ મોદીએ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનને બિરદાવ્યું

નવી દિલ્હી:  જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાના ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક પ્રદર્શનથી વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે. આ ભવ્ય સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે ભારતીય ટુકડી  સાથે ખાસ મુલાકાત કરી હતી અને તમામ ખેલાડીઓ તેમજ કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "દેશવાસીઓ માટે સૌથી મોટું ગૌરવ ત્રિરંગાની શાન વધારવાનું છે, અને આપણા ખેલાડીઓએ દરેક રમતગમતના ક્ષેત્રમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશનું નામ રોશન કર્યું છે."

આ ભવ્ય સન્માન સમારોહમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે તેમજ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આ ઐતિહાસિક મુલાકાત પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિના પાવન અવસરે યોજાઈ હતી.


આ વર્ષની એશિયન ગેમ્સ ભારતીય રમતગમતના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે અંકિત થઈ છે. ભારતે આ ગેમ્સમાં ૨૧ સવુર્ણ, ૨૭ રજત (સિલ્વર) અને ૩૭ કાંસ્ય (બ્રોન્ઝ) સહિત કુલ ૮૫ મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને દેશની દીકરીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ ગેમ્સમાં ભારતીય મહિલા ખેલાડીઓએ ૧૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૮ મેડલ જીતીને 'નવા ભારત'ની નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 મહિલા હોકી ટીમે ૪૪ વર્ષની લાંબી રાહ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. પુરુષ હોકી ટીમે પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સિવાય પુરુષ અને મહિલા બંને કબડ્ડી ટીમોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.


ભારતે પરંપરાગત રમતો ઉપરાંત સોફ્ટ ટેનિસ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ અને સેઇલિંગ જેવી નવી ઇવેન્ટ્સમાં પણ પ્રથમ વખત મેડલ જીતીને એશિયન સ્તરે પોતાની છાપ છોડી છે. મહિલા ટ્રેપ શૂટિંગમાં દેશે પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

વધુમાં, વેઇટલિફ્ટિંગમાં ૨૮ વર્ષ પછી સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે, જ્યારે ગ્રીકો-રોમન કુસ્તીમાં ૬૪ વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય કુસ્તીબાજે ફાઇનલમાં પહોંચીને સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે.

સમારોહ દરમિયાન ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાસ હોકી સ્ટીક અને ટીમ જર્સી ભેટમાં આપી હતી. આ સાથે જ પીએમ મોદીએ ક્રિકેટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમ સાથે પણ મુલાકાત કરીને તેમને ભવિષ્યની મેચો માટે શુભકામનાઓ પાઠવી હતી.

(6:45 PM IST)