News of Tuesday, 26th May 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ શાંતિ કરાર આખરી ચરણમાં! : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા પરમાણુ વિવાદનો અંત લાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો નરમ વલણ સાથેનો પ્રસ્તાવ : સોશિયલ મીડિયા પર સંવર્ધિત યુરેનિયમનો નિકાલ કરવા તેહરાનને ત્રણ મહત્વપૂર્ણ અને વિકલ્પો આપ્યા : સામે ઈરાને ચીનનો વિકલ્પ મૂકતા વૈશ્વિક રાજકારણ ગરમાયું
અમેરિકા કે ઈરાન સિવાય અન્ય સ્વીકાર્ય સ્થળે આંતરરાષ્ટ્રીય સાક્ષીઓ અને એટોમિક એનર્જી કમિશનની હાજરીમાં યુરેનિયમ નષ્ટ કરવાની ઓફર વચ્ચે પાકિસ્તાની સૈન્ય વડા આસિમ મુનિર આખરી ડીલ માટે દોહા પહોંચ્યા : સક્રિય યુદ્ધવિરામ અને અમેરિકી સૈન્યના દબાણ વચ્ચે આગામી ગણતરીના દિવસોમાં મહાકરાર ફાઇનલ થવાના મજબૂત સંકેતો

વોશિંગ્ટન : વૈશ્વિક રાજકારણ અને મધ્ય-પૂર્વના દેશોમાં લાંબા સમયથી ચાલી રહેલા ભયાનક પરમાણુ સંઘર્ષ અને સૈન્ય તણાવ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી લાંબી ખેંચતાણ બાદ હવે આગામી ગણતરીના દિવસોમાં એક મોટો વૈશ્વિક શાંતિ કરાર ફાઇનલ થવાના તમામ મજબૂત સંકેતો મળી રહ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અને પરમાણુ કરારના માળખાને આખરી ઓપ આપવા માટે પડદા પાછળ ચાલી રહેલી મુત્સદ્દીગીરી હવે તેના અંતિમ અને નિર્ણાયક ચરણમાં પહોંચી ગઈ છે, જેના માળખા તરીકે ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ખુલ્લેઆમ ઈરાનને એક લવચીક ઓફર મોકલી દીધી છે.
આ મહાકરાર તરફ આગળ વધવાના મુખ્ય કારણો પર નજર કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેના સંવર્ધિત (એનરિચ્ડ) યુરેનિયમનો સંપૂર્ણ નિકાલ કરવા માટે ત્રણ મહત્વના આંચકાજનક વિકલ્પો જાહેર મંચ પરથી ઓફર કર્યા છે. આ ત્રણ વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ યુરેનિયમ અમેરિકાને સોંપી દેવું અને ત્યાં તેને નષ્ટ કરવું, બીજો વિકલ્પ અમેરિકા-ઈરાનના સંયુક્ત સંકલન સાથે ઈરાનની અંદર જ તેને નષ્ટ કરવું અને ત્રીજો સૌથી મહત્વનો વિકલ્પ એ છે કે કોઈપણ "અન્ય સ્વીકાર્ય સ્થળ" પર આંતરરાષ્ટ્રીય સાક્ષીઓની હાજરીમાં તેનો નાશ કરવો. આ જાહેરાત એક મોટો વળાંક માનવામાં આવે છે, કારણ કે માત્ર બે અઠવાડિયા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ એવું હતું કે "આપણે યુરેનિયમ લઈ રહ્યા છીએ, ખૂબ જ સરળ છે." પરંતુ હવે તેઓ ઈરાનના વલણ તરફ ઝૂકતા જોવા મળી રહ્યા છે અને યુરેનિયમ અમેરિકા લાવવાના બદલે ત્યાં જ નષ્ટ કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
આ વિવાદમાં ઈરાન પોતાના સ્તરે યુરેનિયમને ડાઉનબ્લેન્ડ (તેની ક્ષમતા ઓછી) કરવા માંગતું હતું, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકન ધરતી પર લાવવા માંગતા હતા. હવે આ નવો પ્રસ્તાવ બંને દેશોની જીદ વચ્ચે મધ્યમ માર્ગ કાઢતો દેખાય છે, જેમાં એટોમિક એનર્જી કમિશન તેની ખરાઈ કરે ત્યાં સુધી કોઈપણ સ્થળે સાથે મળીને તેને નષ્ટ કરવાની વાત સ્વીકારાઈ છે. આ વાટાઘાટો બંધ બારણે કરવાના બદલે સોશિયલ મીડિયા પર મૂકવાનો સ્પષ્ટ અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેહરાનને લવચીકતાનો સીધો સંકેત આપીને તાત્કાલિક હસ્તાક્ષર કરવા માટે કહી રહ્યા છે. જે યુરેનિયમના પ્રશ્નથી યુદ્ધની શરૂઆત થઈ હતી તેનો અંત હવે બંને દેશો સાથે મળીને તેને નષ્ટ થતો જોઈને લાવશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ ઈરાન આ યુરેનિયમનો કેટલોક હિસ્સો અમેરિકાના બદલે તેના મિત્ર દેશ ચીનને ટ્રાન્સફર કરવા ઈચ્છે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યાં સાક્ષીઓ સાથે નાશ કરવાનું કહી રહ્યા છે અને ઈરાન તેને બેઇજિંગ મોકલવા પર અડગ છે, જેથી આ વિવાદ હવે 'શું કરવું' ના બદલે માત્ર 'ક્યાં કરવું' પર આવીને અટક્યો છે.
આ અંતિમ વાટાઘાટોને સફળ બનાવવા માટે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનિર અચાનક કતારના પાટનગર દોહા જવા રવાના થઈ ચૂક્યા છે. આસિમ મુનિરે અગાઉ પણ દરેક નાજુક વળાંક પર આ યુદ્ધવિરામને તૂટતો બચાવવામાં મુખ્ય મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી છે, અને હવે તેઓ આખરી રાઉન્ડની વાર્તાલાપ માટે ટેબલ પર પકડ મજબૂત કરી રહ્યા છે. આ સાથે જ કતાર દેશે ઈરાનની ફ્રીઝ થયેલી અસ્કયામતોનો વિવાદ સંપૂર્ણ ઉકેલી દીધો છે અને ચીન આ સમગ્ર શાંતિ કરારની સત્તાવાર ગેરંટી લેવા માટે આગળ આવ્યું છે. આમ, પાકિસ્તાનની અંતિમ શટલ ડિપ્લોમેસી અને ચીન-કતારની સક્રિયતાને કારણે કરારનું આખું માળખું તૈયાર થઈ ચૂક્યું છે.
આ સક્રિય યુદ્ધવિરામ દરમિયાન પણ અમેરિકા દ્વારા ઈરાની મિસાઈલ સાઇટ્સ અને સૈન્ય બોટો પર કરવામાં આવેલા હુમલાને અમેરિકાએ "આત્મરક્ષણ" ગણાવ્યું છે અને તેને પોતાની "સંયમતા" તરીકે રજૂ કર્યું છે, જે સ્પષ્ટ કરે છે કે અમેરિકી સૈન્ય કરારના દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની અંતિમ ક્ષણ સુધી ઈરાન પર લશ્કરી દબાણ જાળવી રાખવા માંગે છે. બંને દેશો એકતરફ સૈન્ય કાર્યવાહી પણ કરી રહ્યા છે અને બીજી તરફ વાટાઘાટો પણ ચલાવી રહ્યા છે, જે આ સમગ્ર સંઘર્ષની જૂની પેટર્ન રહી છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર મંચ પરથી યુરેનિયમ મુદ્દે નરમ વલણ અપનાવવામાં આવતા હવે આગામી દિવસો વિશ્વ શાંતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
(6:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
