<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

અવકાશ વિજ્ઞાનમાં ઐતિહાસિક મોડ: નાસાએ ઇસરોને પોતાના મહત્વાકાંક્ષી 'મૂન બેઝ' મિશનમાં જોડાવા પાઠવ્યું સત્તાવાર આમંત્રણ

બેંગલુરુ સ્પેસ એક્સપો ૨૦૨૬ માં અમેરિકી રાજદૂતે કરી મોટો જાહેરાત: ભારત-અમેરિકા હવે ચંદ્રની સપાટી પર સાથે મળીને કાયમી માનવ વસવાટનું વિઝન કરશે સાકાર

બેંગલુરુ : વિશ્વની બે સૌથી શક્તિશાળી સ્પેસ એજન્સીઓ—ભારતની ઇસરો (ISRO) અને અમેરિકાની નાસા (NASA) હવે સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે એક અદ્ભુત અને ઐતિહાસિક સફરની શરૂઆત કરવા જઈ રહી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુ ખાતે આયોજિત ‘બેંગલુરુ સ્પેસ એક્સપો ૨૦૨૬’ દરમિયાન યુએસ રાજદૂત સર્ગિયો ગોરે એક સત્તાવાર અને મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નાસાએ ઇસરોને તેના આગામી ‘મૂન બેઝ’ (ચંદ્ર આધારિત કાયમી મિશન) પ્રોજેક્ટમાં ભાગીદાર બનવા માટે સત્તાવાર નોતરૂં પાઠવ્યું છે.

 

સ્પેસ એક્સપોને સંબોધતા અમેરિકી રાજદૂત સર્ગિયો ગોરે ભારત-અમેરિકા સ્પેસ પાર્ટનરશિપના મુક્તકંઠે વખાણ કરતા કહ્યું હતું કે, "અમે બહુ ટૂંક સમયમાં માનવજાતને ફરી એકવાર ચંદ્ર પર લઈ જઈ રહ્યા છીએ. અમે દિલથી ઈચ્છીએ છીએ કે જ્યારે માનવજાત ચંદ્ર પર પગ મૂકે કે ત્યાં કાયમી રોકાણ માટે બેઝ બનાવે, ત્યારે ભારત આપણી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભું હોય." આ સાથે જ તેમણે ભારતીય સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને અમેરિકી બજાર અને રોકાણકારો સાથે જોડાવવા ખુલ્લું આહ્વાન કર્યું હતું.

 

સહયોગથી આગળ વધીને 'કો-ક્રિએશન' નો નવો સુવર્ણ યુગ

 

તાજેતરમાં બેંગલુરુમાં યોજાયેલી ૯મી ‘યુએસ-ઇન્ડિયા સિવિલ સ્પેસ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ’ ની બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે, બંને દેશોના સંબંધો હવે માત્ર માહિતીની આપ-લે પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ 'કો-ડિઝાઇનિંગ' અને 'કો-ફંડિંગ' ના નવા યુગમાં પ્રવેશ્યા છે. હવે બંને દેશોના વિજ્ઞાનીઓ સ્પેસ સાધનોનું ડિઝાઇનિંગ સાથે મળીને કરી રહ્યા છે અને સ્પેસ સ્ટાર્ટઅપ્સને સંયુક્ત રીતે ફંડ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 

'TRUST' પહેલ હેઠળ સ્પેસ વિજ્ઞાનીઓનો મહાસંગમ

 

આ ઐતિહાસિક ભાગીદારીના પાયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી 'TRUST' (Transforming the Relationship Utilising Strategic Technology) પહેલ રહેલી છે. આ વિઝન અંતર્ગત શરૂ કરાયેલી 'ટ્રસ્ટ ફેલોશિપ' દ્વારા ભારત અને અમેરિકાના ટોચના સ્પેસ સાયન્ટિસ્ટ્સ અને રિસર્ચર્સ એક જ મંચ પર આવીને કામ કરી રહ્યા છે. ૨૧મી સદીની વૈશ્વિક અર્થવ્યવસ્થાનું મુખ્ય એન્જિન ગણાતા સ્પેસ સેક્ટરમાં આ 'ડ્રીમ ટીમ' આગામી દિવસોમાં અકલ્પનીય સિદ્ધિઓ હાંસલ કરશે.

(7:40 PM IST)