તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ગ્રાહક અદાલતનો ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો : માર્ગ અકસ્માતમાં વેપારીના અવસાનના ૨૯ વર્ષ બાદ વીમા કંપનીને મૃતકના પરિવારને વ્યાજ સહિત ૧૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કરાયો
નેશનલ કન્ઝ્યુમર કમિશને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની દલીલોને ફગાવીને વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના અગાઉના આદેશને રાખ્યો અકબંધ : મૂળ દસ્તાવેજો રજૂ ન કરી શકતા વીમા કંપની દંડાઈ

નવી દિલ્હી: ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ક્લેમ નકારવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને ગ્રાહકોના હિતમાં એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. જયપુરના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુના અંદાજે ત્રણ દાયકા એટલે કે ૨૯ વર્ષ બાદ નેશનલ કન્ઝ્યુમર કમિશને વીમા કંપનીની અપીલ ફગાવી દીધી છે. કમિશને પીડિત પરિવારને વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે ૧૦ કરોડ રૂપિયાનું જંગી વળતર ચૂકવવાના પોતાના અગાઉના આદેશને આખરી ઓપ આપ્યો છે. અદાલતે ઠેરવ્યું છે કે વીમા કંપની ગ્રાહકના કાયદેસરના હક્કને ખોટી ટેકનિકલ ખામીઓ બતાવીને રોકી શકે નહીં.
આ કેસની વિગત મુજબ, જયપુરના ઉદ્યોગપતિ કિશોરી લાલ શરણ ગર્ગ ૨૭ માર્ચ ૧૯૯૭ના રોજ જયપુરથી દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમની કાર અને ટ્રક વચ્ચે સામસામે ભયાનક અકસ્માત થયો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક વેપારીએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ૧૦ કરોડ રૂપિયાની પર્સનલ એક્સિડન્ટ પોલિસી લીધી હતી. અકસ્માત બાદ પરિવારે જ્યારે વીમાના ક્લેમ માટે અરજી કરી, ત્યારે ઇન્સ્યોરન્સ કંપનીએ સર્વેયર અને ડિટેક્ટીવ એજન્સીઓની તપાસનો हवाला આપીને ગ્રાહકે વીમો લેતી વખતે માહિતી છુપાવી હોવાના આક્ષેપ સાથે ૧૬ જૂન ૨૦૦૦ના રોજ ક્લેમ ફગાવી દીધો હતો.
પરિવારે આ અન્યાય સામે રાષ્ટ્રીય ગ્રાહક કમિશનના દ્વાર ખખડાવ્યા હતા. લાંબી કાનૂની લડત બાદ કમિશને ૨૪ નવેમ્બર ૨૦૦૫ના રોજ પીડિત પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેની સામે વીમા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પુરાવાઓની નવેસરથી સમીક્ષા કરવા માટે કેસ પાછો મોકલ્યો હતો. હવે પુનઃ સુનાવણી દરમિયાન નેશનલ કન્ઝ્યુમર કમિશને વીમા કંપનીનો અસ્વીકાર પત્ર તદ્દન ગેરકાયદેસર અને અમાન્ય જાહેર કર્યો છે. કમિશને નોંધ્યું કે કંપની અદાલતમાં મૂળ પ્રપોઝલ ફોર્મ રજૂ કરી શકી નથી, જેના આધારે તેઓ માહિતી છુપાવી હોવાનો દાવો કરતા હતા.
નિવૃત્ત ન્યાયાધીશ અને કમિશનના સભ્યોની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ વીમા ધારકના આશ્રિતોને ન્યાય મળવો અનિવાર્ય છે. ૨૯ વર્ષના લાંબા સમયગાળા સુધી ચાલેલી આ કાનૂની પ્રક્રિયામાં પરિવારને પડેલી આર્થિક અને માનસિક યાતનાઓને ધ્યાનમાં રાખીને વ્યાજ સહિતની રકમ તાત્કાલિક ચૂકવવા આદેશ કરાયો છે. ન્યાયિક વળતરની ગણતરી કરતી વખતે ભવિષ્યની આવક અને આશ્રિતોની સ્થિતિને મુખ્ય આધાર બનાવવામાં આવી છે. આ ચુકાદાથી ક્લેમ પાસ ન કરવા માટે બહાના શોધતી વીમા કંપનીઓ પર કાયદાનો ગાળિયો મજબૂત થયો છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
