તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા ઐતિહાસિક પહેલ : દેશભરની શાળાઓમાં ટૂંક સમયમાં શરૂ થશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બ્લુ પ્રિન્ટ રજૂ કરી
કિશોરાવસ્થામાં પરસ્પર સંમતિથી બંધાતા સંબંધો અને પોક્સો કાયદાના દુરુપયોગ અંગે સર્વોચ્ચ અદાલતની ચિંતા બાદ ૨૬ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોના આધારે NCERT તૈયાર કરશે ખાસ અભ્યાસક્રમ

નવી દિલ્હી: ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને કિશોરોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત પ્રગતિશીલ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરની શાળાઓના શૈક્ષણિક અભ્યાસક્રમમાં વ્યાપક સેક્સ એજ્યુકેશનનો (જાતીય શિક્ષણ) સમાવેશ કરવાની કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સત્તાવાર તૈયારી દર્શાવી છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને સુસંગત રાખીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેને સર્વોચ્ચ અદાલતની અંતિમ મંજૂરી મળ્યા બાદ દેશભરની શાળાઓમાં તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકારે આપી મહત્વની માહિતી:
દેશની સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ૧૬ થી ૧૮ વર્ષની વયના કિશોર-કિશોરીઓ વચ્ચે પરસ્પર સંમતિથી બંધાતા પ્રેમ સંબંધોના કિસ્સામાં પોક્સો (POCSO) કાયદાના થઈ રહેલા વ્યાપક દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ઘણીવાર કિશોરો સંમતિથી સંબંધ બાંધ્યા બાદ ઘર છોડી દે છે, પરંતુ પરિવારજનો કથિત સામાજિક ‘માન-સન્માન’ના નામે તેમની સામે પોક્સો હેઠળ ગુનાહિત ફરિયાદ નોંધાવી દે છે.
૨૬ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના અને ભલામણો:
કિશોરોના અધિકારો અને કાયદાકીય જટિલતાઓના અભ્યાસ માટે કેન્દ્ર સરકારે અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને ૨૬ નિષ્ણાતોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિને પોક્સો કાયદાના દાયરામાં પરસ્પર સંમતિ ધરાવતા કિશોરોની ગોપનીયતા (પ્રાઇવસી) અને તેમના મૂળભૂત અધિકારો સંબંધિત મુદ્દાઓની તટસ્થ સમીક્ષા કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી હતી.
બાળ યૌન શોષણથી સુરક્ષા અને શરીર અંગેની જાગૃતિ પર અપાશે ભાર:
આ સમિતિએ વ્યાપક અભ્યાસ બાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલી પોતાની ભલામણોમાં જણાવ્યું છે કે, શાળાના સ્તરથી જ બાળકોને શિક્ષિત કરવા અનિવાર્ય છે. આ માટે શાળાના અભ્યાસક્રમમાં વ્યાપક સેક્સ એજ્યુકેશનની સાથે બાળ યૌન શોષણથી સુરક્ષા (Child Sexual Abuse Protection), પોતાના શરીર અંગેની વૈજ્ઞાનિક જાગૃતિ અને સુરક્ષિત સામાજિક વર્તન જેવા અત્યંત સંવેદનશીલ વિષયો વણી લેવા જોઈએ. સમિતિએ આ શૈક્ષણિક માળખું તૈયાર કરવા માટે NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) ને વિશેષ ભલામણ કરી છે, જે અંતર્ગત હવે નવી ગાઈડલાઈન મુજબ પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કવાયત હાથ ધરાશે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
