<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર : હવે ૧૦૦ ટકા ભારતીય સામાન ન્યુઝીલેન્ડમાં કોઈપણ ડ્યુટી વગર વેચાશે

ન્યુઝીલેન્ડ ભારતની ધરતી પર ૨૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરશે અને ૫૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સ માટે રોજગારીના દ્વાર ખુલ્યા : જ્યારે ડેરી અને કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ કરારથી બાકાત રખાયા

 નવી દિલ્હી:  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સોમવારના રોજ મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) પર ઐતિહાસિક હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતીથી બંને દેશોના આર્થિક સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. ભારત તરફથી વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ન્યુઝીલેન્ડના ટ્રેડ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં આ મહત્વપૂર્ણ ડીલ પર મહોર મારવામાં આવી છે. આ સમજૂતી બાદ ભારતીય નિકાસકારોને ન્યુઝીલેન્ડના બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે, જેનાથી ભારતીય ઉત્પાદનો ત્યાં સસ્તા અને વધુ સ્પર્ધાત્મક બનશે.

 

 દ્વિપક્ષીય વ્યાપાર બમણો થવાની અપેક્ષા:

હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો વેપાર અંદાજે ૨.૪ અબજ ડોલરની આસપાસ છે. સરકારના મતે, આ ઐતિહાસિક કરાર બાદ આગામી સમયમાં દ્વિપક્ષીય વ્યાપાર બમણો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડની સરકારે આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી છે, જે દેશના વિકાસ અને રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

 નાના ઉદ્યોગો અને પ્રોફેશનલ્સને મોટો ફાયદો:

આ કરારનો સૌથી મોટો લાભ ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને મળશે. ખાસ કરીને ટેક્સટાઈલ, લેધર, પ્લાસ્ટિક અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિકાસકારો માટે મોટા તકો ઉભી થશે. આગ્રાના લેધર ઉદ્યોગના ઉત્પાદનો હવે કોઈ પણ ટેક્સ વગર ન્યુઝીલેન્ડના બજારોમાં વેચાશે. માત્ર વસ્તુઓ જ નહીં, પણ સેવા ક્ષેત્રમાં પણ આઈટી, શિક્ષણ, ટૂરિઝમ અને ફાયનાન્સ જેવી ભારતીય કંપનીઓનો વ્યાપ વધશે. એક મહત્વના નિર્ણય મુજબ, હવે ૫,૦૦૦ જેટલા કુશળ ભારતીય પ્રોફેશનલ્સને ન્યુઝીલેન્ડમાં ૩ વર્ષ સુધી કામ કરવાની તક મળશે.

 

 સ્થાનિક હિતોનું રક્ષણ અને બાકાત રખાયેલા ક્ષેત્રો:

ભારતે આ સમજૂતી હેઠળ પોતાના બજારનો ૭૦ ટકા હિસ્સો ન્યુઝીલેન્ડ માટે ખોલ્યો છે. સફરજન, કિવિ અને મધ જેવા કૃષિ ઉત્પાદનો પર કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ તેની સાથે કડક શરતો પણ રાખવામાં આવી છે જેથી ભારતીય ખેડૂતોના હિતોને નુકસાન ન પહોંચે. ભારતની સ્થાનિક બજાર અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાને રાખીને સરકારે દૂધ અને ડેરી ઉત્પાદનો, દાળ, ખાંડ અને અમુક સંવેદનશીલ કૃષિ ચીજવસ્તુઓને આ સમજૂતીથી સંપૂર્ણપણે બાકાત રાખ્યા છે, જેના પર કોઈ છૂટ આપવામાં આવી નથી. આ સમજૂતી ભારતીય અર્થતંત્ર માટે રોકાણ અને નિકાસ વધારવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

(3:32 PM IST)