તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ભારતીય રેલવેનો ઐતિહાસિક પરાક્રમ: વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજ પર ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડી વંદે ભારત એક્સપ્રેસ, નવો વિક્રમ સર્જાયો!
અંજી બ્રિજ અને ચિનાબ પર સફળ સ્પીડ ટેસ્ટ બાદ જમ્મુ-શ્રીનગર રૂટ પર મુસાફરીનો સમય ઘટશે: કટરા-બનિહાલ સેક્શનની સ્પીડ લિમિટ વધારીને ૧૦૦ કિમી કરાઈ

નવી દિલ્હી : ભારતીય રેલવે ક્ષેત્રે આજે વધુ એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસે વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ એવા ‘ચિનાબ બ્રિજ’ પરથી પૂરી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સ્પીડ ટેસ્ટ દરમિયાન વંદે ભારતે ભારત દેશના પ્રથમ કેબલ-સ્ટેઈડ રેલવે બ્રિજ એવા ‘અંજી બ્રિજ’ પર પણ ૧૦૦ કિમી/કલાકની પૂરઝડપે સફળતાપૂર્વક દોડીને કમાલ કરી બતાવી છે.
કટરા-બનિહાલ સેક્શન પર સ્પીડ લિમિટ વધારી ૧૦૦ કિમી કરાઈ
રેલવે પ્રશાસને કટરા-બનિહાલના ૧૧૧ કિલોમીટર લાંબા પડકારજનક રેલવે સેક્શન પર મહત્તમ મંજૂર ઝડપ વધારીને ૧૦૦ કિમી પ્રતિ કલાક નક્કી કરી છે. આ અગાઉ આ પહાડી માર્ગના વિભિન્ન હિસ્સાઓમાં ટ્રેનની મહત્તમ ઝડપ ૭૫ અને ૮૫ કિમી/કલાકની જ હતી. ૨ ઑક્ટોબરથી આ સમગ્ર સેક્શન પર નવી ૧૦૦ કિમી/કલાકની સ્પીડ લિમિટ લાગુ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ વંદે ભારત એક્સપ્રેસનું હાઈ-સ્પીડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચિનાબ અને અંજી બ્રિજ: એન્જિનિયરિંગની અદ્ભુત અજાયબી
જે ચિનાબ બ્રિજ પરથી વંદે ભારતે સડસડાટ દોડ લગાવી તે ચિનાબ નદીની સપાટીથી ૩૫૯ મીટર (૧,૧૭૮ ફૂટ) ઊંચાઈ પર આવેલો છે અને તે ૧,૩૧૫ મીટર લાંબો છે. તેને ૧૨૦ વર્ષના આયુષ્ય અને ૨૬૦ કિમી/કલાકના ચક્રવાતી પવનને સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરાયો છે. તો બીજી તરફ અંજી બ્રિજ ખીણથી ૩૩૧ મીટર ઊંચો છે અને ૯૬ હાઈ-ટેન્સાઈલ કેબલ પર ટકેલો દેશનો પ્રથમ અનોખો કેબલ-સ્ટેડ બ્રિજ છે.
મુસાફરોનો સમય બચશે, ૨૦ કોચની વંદે ભારતથી મુસાફરી સુગમ બનશે
ચિનાબ અને અંજી જેવા વિશાળ બ્રિજ પર ૧૦૦ કિમીની ઝડપે સફળ ટેસ્ટિંગ થતાં હવે જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે રેલ વ્યવહાર વધુ ઝડપી બનશે અને મુસાફરોના સમયમાં મોટો ઘટાડો થશે. ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક (USBRL) પર વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને એપ્રિલ ૨૦૨૬માં જ આ વંદે ભારતના કોચ ૮થી વધારીને ૨૦ કરવામાં આવ્યા હતા. હાલમાં આ કોરિડોર પર બે જોડી વંદે ભારત ટ્રેનો સફળતાપૂર્વક દોડી રહી છે
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
