<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

તિરુપતિ બાલાજીમાં દાનનો ઐતિહાસિક રેકોર્ડ: આજીવન VIP દર્શનનો લાભ મેળવવા કરોડપતિઓએ તિજોરીઓ ખોલી, માત્ર ૨૪ કલાકમાં જ ૯૭ કરોડનું ‘છપ્પરફાડ’ દાન!

TTD બોર્ડની નવી નીતિ અમલમાં આવે તે પહેલા ડેડલાઇન સાચવવા ભક્તોની ભારે પડાપડી; એક જ દિવસમાં ૨,૪૬૦ દાતાઓએ નિયમો બદલાય તે પૂર્વે રેકોર્ડબ્રેક રકમ જમા કરાવી

તિરુપતિ : આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ અને ભારતના સૌથી ધનિક ધાર્મિક સ્થળોમાં અગ્રણી એવા તિરુપતિ બાલાજી (Tirupati Balaji) મંદિરમાં ૧૫મી જુલાઈના રોજ એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. મંદિરમાં આજીવન VIP દર્શન અને વિશેષ સુવિધાઓ મેળવવા માટે દેશભરના કરોડપતિ અને અબજોપતિ ભક્તોમાં ભારે પડાપડી જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર, તિરુમા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નિયમો બદલાય તે પહેલાં, માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં ભક્તોએ મંદિરમાં આશરે ૯૬.૯૮ કરોડ રૂપિયા (અંદાજે ૯૭ કરોડ) નું રેકોર્ડબ્રેક દાન ઠાલવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે તિરુપતિ બાલાજી મંદિરની કુલ સંપત્તિ અંદાજે ૩.૩૮ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે, જે વિશ્વના કેટલાય નાના દેશોના કુલ જીડીપી (GDP) કરતાં પણ વધારે છે.

કેમ અચાનક કરોડો રૂપિયાના દાનનો વરસાદ થયો?

આટલી મોટી રકમ એક જ દિવસમાં દાનમાં આવવા પાછળનું મુખ્ય કારણ TTD બોર્ડની નવી નીતિ છે. બોર્ડ દ્વારા દાનના નિયમો અને VIP દર્શનની સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે ૧૫ જુલાઈની મધ્યરાત્રિથી જ લાગુ કરી દેવાયો છે.

જૂના નિયમો અનુસાર, મંદિરમાં એક ચોક્કસ નિયત રકમથી વધારે દાન આપનારા શ્રદ્ધાળુઓને આજીવન (Lifetime) VIP દર્શન અને અન્ય અદભુત સુવિધાઓ મળતી હતી. ભક્તો સારી રીતે જાણતા હતા કે જો તેઓ ૧૫ જુલાઈની રાત્રે ૧૨ વાગ્યા પહેલાં દાન જમા કરાવી દેશે, તો તેમને નવી કડક નીતિ લાગુ પડશે નહીં અને તેઓ જૂના નિયમો મુજબ જીવનભર વીઆઈપી સુવિધાના હકદાર રહેશે. આ ડેડલાઇનનો લાભ લેવા માટે જ ધનિક ભક્તોએ લાઈનો લગાવી હતી.

દાતાઓનો આંકડો જોઈને આંખો પહોળી થઈ જશે

ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ, આ છેલ્લી ઘડીની દોડધામમાં કુલ ૨,૪૬૦ દાતાઓએ બાલાજીના ચરણોમાં પોતાની તિજોરીઓ ખોલી દીધી હતી:

· આ દાતાઓ પૈકી ઘણા ભક્તોએ રૂ. ૧.૧૦ લાખ, રૂ. ૧૦ લાખ અને રૂ. ૨૫ લાખનું દાન આપ્યું હતું.

· જ્યારે બે પરમ ભક્તોએ તો એક-એક કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વ્યક્તિગત દાન આપ્યું હતું.

આજીવન VIP સુવિધામાં શું-શું મળે છે?

તિરુપતિ મંદિરમાં મોટી રકમ દાન કરનારા વિશિષ્ટ ભક્તોને TTD બોર્ડ તરફથી અત્યંત ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં આજીવન VIP બ્રેક દર્શન, ગર્ભગૃહ સુધી સીધી સુપાથમ એન્ટ્રી, ભગવાન વેંકટેશ્વરની પવિત્ર સુપ્રભાત સેવા, વૈદિક લગ્નોત્સવ અને કલ્યાણોત્સવ સેવામાં સીધી એન્ટ્રીની ખાતરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા આવા દાતાઓને સોના-ચાંદીના સિક્કા અને વિશેષ મહાપ્રસાદની ભેટ પણ આપવામાં આવે છે.

 

(6:43 PM IST)