<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ઉત્તર પ્રદેશની યોગી સરકારનો વરિષ્ઠ નાગરિકો માટે ઐતિહાસિક નિર્ણય: શહેરી વિસ્તારોમાં વૃદ્ધો માટે લાવશે નવી ભાડા આવાસ નીતિ

વૃદ્ધાવસ્થામાં સસ્તી અને સન્માનજનક છત પૂરી પાડવા ગૃહ સચિવની અધ્યક્ષતામાં ૯ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના: મા બાપની સંભાળ ન રાખતા બેદરકાર બાળકો સામે મિલકતમાંથી બેદખલ કરવાના કાયદા બાદ આવાસની મોટી ભેટ

લખનૌ  : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતા વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને સુરક્ષા માટે વધુ એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. રાજ્યમાં વૃદ્ધોને વયના આ તબક્કે ભટકવું ન પડે અને તેમને આસાનીથી સસ્તું રહેઠાણ મળી રહે તે માટે સરકાર ટૂંક સમયમાં ‘નવી ભાડા આવાસ નીતિ’ (New Rental Housing Policy) રજૂ કરવા જઈ રહી છે. આ નીતિ હેઠળ રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં ખાસ વરિષ્ઠ નાગરિકો માટે જ સસ્તા ભાડાના મકાનો તૈયાર કરવામાં આવશે.

 

આ આવાસ નીતિનો યોગ્ય પ્રસ્તાવ અને ભલામણો તૈયાર કરવા માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં ૯ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. વિશેષ સચિવ ગૃહ રાજેશ કુમાર રાય દ્વારા આ અંગેનો સત્તાવાર સરકારી આદેશ પણ જારી કરી દેવાયો છે. આ સમિતિમાં લખનૌ, કાનપુર, ગાઝિયાબાદ, વારાણસી અને મેરઠ વિકાસ સત્તામંડળના વાઈસ ચેરમેન ઉપરાંત આવાસ બંધુના નિયામકને સભ્ય કન્વીનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ તમામ પાસાઓનો ઊંડો અભ્યાસ કરીને રાજ્ય સરકારને પોતાનો વિગતવાર રિપોર્ટ સોંપશે.

 

બેદરકાર બાળકો સામે કાનૂની શસ્ત્ર આપ્યા બાદ આવાસનું મોટું કવચ

 

યોગી સરકારે તાજેતરમાં જ વરિષ્ઠ નાગરિકો માટે 'ઉત્તર પ્રદેશ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ નિયમો-૨૦૧૪' માં મહત્વપૂર્ણ સુધારો કરીને માતા-પિતાની યોગ્ય સંભાળ ન રાખનારા કે તેમની સાથે દુર્વ્યવહાર કરનારા બાળકોને પોતાની મિલકતમાંથી બેદખલ કરવાનું કાનૂની સશક્તિકરણ આપ્યું હતું. આ કડક કાનૂની જોગવાઈ બાદ હવે વૃદ્ધો માટે આવાસની નવી નીતિ લાવીને યોગી ਸਰਕਾਰે સાબિત કર્યું છે કે રાજ્યના દરેક વરિષ્ઠ નાગરિકનું સન્માન, સુરક્ષા અને આશ્રય એ સરકારની પ્રાથમિકતા છે.

(7:55 PM IST)