<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે કર્મચારીના મોતના વળતરમાં 'કેપિંગ'નો ખેલ ખતમ!

વીમા કંપનીની 'મર્યાદિત પગાર'ની દલીલોને ફગાવી જસ્ટિસ બિભુ દત્તાએ માનવતાવાદી અભિગમ અપનાવ્યો : મૃતક ટ્રક ડ્રાઈવરના પરિવારને વાસ્તવિક આવક મુજબ વ્યાજ સાથે ન્યાય અપાવ્યો

બિલાસપુર:  છત્તીસગઢ હાઈકોર્ટે એક ક્રાંતિકારી ચુકાદો આપીને વીમા કંપનીઓની મનસ્વી ગણતરીઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ પરિવાર પોતાના કમાનાર સભ્યને ગુમાવે છે, ત્યારે વળતરની રકમ કોઈ જૂની કે કાલ્પનિક 'પગાર મર્યાદા' (કેપિંગ) ને આધારે નહીં, પરંતુ તે કર્મચારીના મૃત્યુ સમયે જે ખરેખર પગાર હતો તેના આધારે જ નક્કી થવી જોઈએ. આ નિર્ણય સામાજિક ન્યાયની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે, કારણ કે તે વીમા કંપનીઓ દ્વારા અપાતી 'નિયમોની છટકબારી'નો અંત લાવે છે.

આ કેસ 2017માં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર ટ્રક ડ્રાઈવર સત્યેન્દ્ર સિંહના પરિવાર સાથે જોડાયેલો હતો. લેબર કોર્ટે કલેક્ટર રેટ મુજબ તેની આવક ₹9,880 ગણી હતી, પરંતુ વીમા કંપનીએ કેન્દ્ર સરકારના જૂના નિયમોનો હવાલો આપીને મહત્તમ પગાર માત્ર ₹8,000 ગણવાની જીદ પકડી હતી. જસ્ટિસ બિભુ દત્તા ગુરુની બેન્ચે વીમા કંપનીની આ દલીલને સખત શબ્દોમાં ફગાવી દેતા જણાવ્યું કે, કર્મચારી વળતર કાયદો એ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના કલ્યાણ માટે છે, નહીં કે ટેકનિકલ ખામીઓ શોધીને તેમને ઓછું વળતર આપવા માટે.

હાઈકોર્ટે માત્ર વળતરની રકમ જ જાળવી રાખી નથી, પરંતુ વ્યાજની ગણતરીમાં પણ પરિવારને મોટી રાહત આપી છે. સામાન્ય રીતે વ્યાજની ગણતરીમાં વિલંબ થતો હોય છે, પરંતુ કોર્ટે આદેશ આપ્યો કે અકસ્માતની તારીખ એટલે કે 15 ડિસેમ્બર, 2017થી જ 12 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે. આ ચુકાદાથી હવે ભવિષ્યમાં આવા હજારો પરિવારો માટે ન્યાયના દ્વાર ખૂલશે જેમને અત્યાર સુધી નિયમોના નામે પૂરેપૂરો હક મળતો નહોતો.

(7:00 PM IST)