<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: EWS કેટેગરીના બાળકોના શિક્ષણના હક માટે સખત વલણ : મૂળ શાળામાં જગ્યા ન મળે તો 5 કિમીની ત્રિજ્યામાં પ્રવેશ આપવો પડશે

તંત્રની બેદરકારી અને માહિતીના અભાવે બાળકની સીટ છીનવાઈ જતાં મામલો અદાલતે પહોંચ્યો: જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે શિક્ષણ વિભાગ અને શાળાને તાકીદે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી:  આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના બાળકો માટે શિક્ષણનો અધિકાર માત્ર કાગળ પર ન રહી જાય તે માટે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ આદેશ આપ્યો છે. સાત વર્ષના માસૂમ વિરાજ સોલંકીના કિસ્સામાં ચુકાદો આપતાં અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો ફાળવવામાં આવેલી મૂળ શાળામાં પ્રવેશ શક્ય ન હોય, તો શિક્ષણ નિયામક (DoE) એ બાળકના ઘરથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અન્ય માન્યતા પ્રાપ્ત શાળામાં સીટ પૂરી પાડવી પડશે. જસ્ટિસ જસમીત સિંહની સિંગલ બેન્ચે આદેશ આપતાં બાળકના ભવિષ્ય અને સતત શિક્ષણની ગંભીરતાને પ્રાધાન્ય આપ્યું છે, જેથી કોઈ પણ બાળકની શૈક્ષણિક કારકિર્દી સરકારી કે વહીવટી ખામીઓના કારણે રૂંધાઈ ન જાય.

આ કેસની વિગતો મુજબ, માસ્ટર વિરાજ સોલંકીના પિતા ગૌરવ કુમાર સોલંકીએ RTE કાયદાની કલમ 12(1)(c) હેઠળ 2026-27ના શૈક્ષણિક સત્ર માટે પ્રથમ ધોરણમાં EWS/DG ક્વોટા હેઠળ અરજી કરી હતી. 10 જુલાઈ, 2026ના રોજ બીજી કોમ્પ્યુટરાઈઝ્ડ લોટરીમાં વિરાજને 'નવીન ભારતી પ્રિપેરેટરી સ્કૂલ'માં સીટ ફાળવવામાં આવી હતી, પરંતુ પરિવારને આ અંગે કોઈ SMS કે સત્તાવાર સૂચના મળી ન હતી. અગાઉ પોતાની પુત્રીના પ્રવેશ સમયે તમામ અપડેટ્સ SMS દ્વારા મળ્યા હોવાથી પિતા આ મેસેજની રાહ જોતા રહ્યા. સપ્ટેમ્બર 2026માં જ્યારે તેમણે અન્ય કામ માટે શિક્ષણ વિભાગના પોર્ટલ પર લોગ ઈન કર્યું ત્યારે જઈને તેમને આ ફાળવણીની જાણ થઈ.

જ્યારે પરિવારે તરત જ શાળા, શિક્ષણ નિયામક અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરીને લેખિત રજૂઆત કરી, ત્યારે પ્રવેશ આપવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ત્યારબાદ બહાર પડેલી ત્રીજી ફાળવણી યાદીમાંથી બાળકનું નામ જ ગાયબ કરી દેવાયું. અરજદાર પક્ષ તરફથી કરંજવાલા એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર સંદીપ કપૂરે દલીલ કરી હતી કે કોઈ પણ સૂચના આપ્યા વિના સીટ રદ કરવી અને નામ હટાવી દેવું એ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21A (શિક્ષણનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન છે. હાઈકોર્ટે આ તર્ક ગ્રાહ્ય રાખીને તાકીદે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ કર્યો છે.

(6:29 PM IST)