News of Wednesday, 17th June 2026
ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક ડીલ: ૧૫ જુલાઈથી વેપારની દુનિયામાં સર્જાશે નવો ઈતિહાસ
મુક્ત વેપારનો નવો અધ્યાય શરૂ : કાપડ, ચામડા અને આઈટી ક્ષેત્રે ભારતીય નિકાસકારો માટે ડ્યુટી-ફ્રી સફરના દ્વાર ખુલ્યા

નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક સંબંધોને એક નવી જ ઉંચાઈ પર લઈ જતા ઐતિહાસિક મુક્ત વેપાર કરાર એટલે કે 'કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ' આગામી ૧૫ જુલાઈથી સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ફ્રાન્સમાં યોજાયેલી G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ કીર સ્ટારમર વચ્ચેની ફળદાયી બેઠક બાદ આ આખરી મહોર મારવામાં આવી છે. લાંબી ચર્ચાઓ અને સ્ટીલ ટેરિફ જેવા આખરી અવરોધોને પાર કરીને બંને દેશો હવે આ ઐતિહાસિક આર્થિક કોરિડોરને જમીન પર ઉતારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયા છે, જે વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને અત્યારના ૫૬ બિલિયન ડોલરથી બમણો કરવાની ક્ષમતા ધરાવે છે.
આ કરારના અમલીકરણથી સૌથી મોટો જેકપોટ ભારતીય નિકાસકારોને લાગવાનો છે, કારણ કે યુકે ભારતની લગભગ ૯૯% પ્રોડક્ટ્સ લાઈનો પરથી આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી) સંપૂર્ણપણે નાબૂદ કરશે. ખાસ કરીને ભારતના કાપડ (ટેક્સટાઈલ) અને ચામડા (લેધર) ઉદ્યોગ માટે આ એક સુવર્ણ કાળ સમાન સાબિત થશે. અત્યાર સુધી બ્રિટિશ બજારોમાં ૮ થી ૨૦ ટકા જેટલી ઊંચી ડ્યુટીનો સામનો કરી રહેલા શ્રમ-સઘન ઉદ્યોગોને હવે શૂન્ય-ડ્યુટીનો સીધો ફાયદો મળશે. નિષ્ણાતોના મતે, આ રાહતના કારણે આગામી બે વર્ષમાં બ્રિટિશ માર્કેટમાં ભારતીય ચામડા અને વસ્ત્રોની ધૂમ મચશે, જેનાથી દેશમાં લાખો નવી રોજગારીની તકો પણ ઉભી થશે.
આ કરાર માત્ર માલસામાન પૂરતો સીમિત નથી, પરંતુ ભારતીય પ્રોફેશનલ્સ અને અન્ય ક્ષેત્રોને પણ મોટો વેગ આપશે. સ્માર્ટફોન, આઈટી, ઓપ્ટિકલ ફાઈબર, ફાર્માસ્યુટિકલ્સ તેમજ ચા, મસાલા અને તાજી દ્રાક્ષ જેવા કૃષિ ઉત્પાદનોને બ્રિટિશ બજારમાં સીધો અને સસ્તો પ્રવેશ મળશે. આ સાથે જ 'ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન' (DCC) હેઠળ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે સોશિયલ સિક્યોરિટી ટેક્સની મુક્તિ મર્યાદા ૩ વર્ષથી વધારીને ૫ વર્ષ કરવામાં આવી છે. બીજી તરફ, ભારતે પણ બ્રિટિશ વ્હિસ્કી પરની ડ્યુટી ૧૫૦% થી ઘટાડીને તબક્કાવાર ૪૦% કરવા અને બ્રિટિશ ઓટોમોબાઈલ, મેડિકલ ઉપકરણો તેમજ એરોસ્પેસ પ્રોડક્ટ્સને રાહત આપવાની જાહેરાત કરી છે, જે બંને દેશો માટે જીત-જીત (Win-Win) વાળી સ્થિતિ સર્જશે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
