<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મુંબઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં ઐતિહાસિક તેજી : જૂન મહિનામાં મિલકતોના રજિસ્ટ્રેશનમાં ૧૪ વર્ષનો સર્વોચ્ચ રેકોર્ડ નોંધાયો

ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ઘરોના સોદાનો આંકડો ૮૦,૦૦૦ ને પાર : મહારાષ્ટ્ર સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ।. ૬,૯૬૮ કરોડની અધધ આવક થઈ

મુંબઈ : મુંબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં (H1 2026) એક નવો ઈતિહાસ રચી દીધો છે. અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ મુજબ, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની હદ હેઠળના વિસ્તારોમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનનો આંકડો જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ ના ગાળામાં ૮૦,૦૦૦ ને પાર થઈ ગયો છે. વર્ષ ૨૦૧૩ પછીના ઈતિહાસમાં પ્રથમ છ મહિનાના ગાળામાં નોંધાયેલો આ સૌથી સર્વોચ્ચ અને મજબૂત દેખાવ છે, જે મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં ગ્રાહકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા દ્વારા મહારાષ્ટ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સ્ટેમ્પ્સ પાસેથી મેળવેલા સત્તાવાર ડેટા અનુસાર, મુંબઈ શહેરમાં ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ ૮૦,૨૨૧ પ્રોપર્ટીઝનું રજિસ્ટ્રેશન થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળાના ૭૬,૦૬૦ રજિસ્ટ્રેશનની તુલનાએ ૬ ટકાનો સીધો વધારો દર્શાવે છે. આ મજબૂત ખરીદીને કારણે મહારાષ્ટ્ર સરકારની તિજોરી પણ છલકાઈ ગઈ છે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે ૪ ટકાના વાર્ષિક વધારા સાથે રૂ।. ૬,૯૬૮ કરોડની અધધ આવક થઈ છે.

ખાસ કરીને જૂન ૨૦૨૬ ના મહિનામાં પ્રોપર્ટી માર્કેટમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. જૂન મહિનામાં અંદાજે ૧૩,૩૦૨ થી વધુ મિલકતોની નોંધણી થઈ છે, જે જૂન ૨૦૨૫ ની સરખામણીએ ૧૫ ટકાનો ઉછાળો દર્શાવે છે અને છેલ્લા ૧૪ વર્ષમાં કોઈપણ જૂન મહિના માટેનો આ સર્વોચ્ચ રેકોર્ડ છે. આ એકલા જૂન મહિનામાંથી જ સરકારને અંદાજે રૂ।. ૧,૦૭૭ કરોડની સ્ટેમ્પ ડ્યુટી પ્રાપ્ત થઈ છે જે ગયા વર્ષ કરતાં ૪ ટકા વધુ છે. મે ૨૦૨૬ ની સરખામણીએ પણ જૂનમાં રજિસ્ટ્રેશનમાં ૭ ટકાનો વધારો થયો છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે આ પ્રોપર્ટી માર્કેટની તેજી અંગે જણાવ્યું હતું કે, ઊંચી કિંમતો હોવા છતાં મુંબઈના રહેણાંક માર્કેટે તેની મજબૂત ગતિ જાળવી રાખી છે. જૂન ૨૦૨૬ ના આ આંકડા દર્શાવે છે કે વાસ્તવિક ખરીદદારો (એન્ડ-યુઝર્સ) ની માંગ ખૂબ જ મજબૂત છે. જો કે, રજિસ્ટ્રેશનની સરખામણીએ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વૃદ્ધિ દર થોડો ધીમો રહ્યો છે, જે સંકેત આપે છે કે પ્રીમિયમ અથવા લક્ઝરી ઘરો સિવાય મધ્યમ આવક ધરાવતા (મિડ-માર્કેટ) હાઉસિંગ સેગમેન્ટમાં ખરીદીનું પ્રમાણ ઘણું વધારે રહ્યું છે.

આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે મુંબઈમાં ઘરોના વેચાણમાં પ્રાથમિક (નવા પ્રોજેક્ટ્સ) અને સેકન્ડરી (રીસેલ) બંને બજારોમાં સમાન મોમેન્ટમ જોવા મળ્યું છે. વ્યાજદરોની સ્થિરતા અને ઘર ખરીદનારાઓમાં પોતાની માલિકીનું ઘર હોવાની વધેલી ભાવનાને કારણે આગામી તહેવારોની સીઝનમાં પણ આ તેજી અવિરત ચાલુ રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રિયલ એસ્ટેટ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(11:29 PM IST)