<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

રાજ્યસભામાં ઐતિહાસિક બિલ પસાર: 'વંદે માતરમ' ને પણ હવે 'જન ગણ મન' જેટલું જ વૈધાનિક રક્ષણ મળશે; અનાદર કરનારને થશે ૩ વર્ષ સુધીની જેલ!

રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬ સંસદમાં મંજૂર: ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું- "આ માત્ર કાયદાકીય ફેરફાર નથી, ભારતની આત્મા અને રાષ્ટ્રીય ચેતના પ્રત્યેની પ્રતિબદ્ધતા છે"

નવી દિલ્હી : દેશના સાંસ્કૃતિક વારસા અને સ્વતંત્રતા સંગ્રામના પ્રતિક સમા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ને પૂર્ણ સન્માન આપવાની દિશામાં કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. રાજ્યસભાએ બુધવારે 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬' ને મંજૂરી આપી દીધી છે. આ બિલ દ્વારા ૧૯૭૧ ના મૂળ કાયદામાં સુધારો કરીને રાષ્ટ્રગીત 'જન ગણ મન' ની જેમ જ 'વંદે માતરમ' ના ઇરાદાપૂર્વકના અપમાન કે અનાદર બદલ પણ ૩ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજાની કડક જોગવાઈ કરવામાં આવી છે.

સ્વતંત્રતા સંગ્રામના આદર્શો પ્રત્યેની સામૂહિક નિષ્ઠા:

બિલ પરની ચર્ચાનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર એક સામાન્ય કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ભારતની આત્મા, રાષ્ટ્રીય ચેતના અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન પ્રત્યે દેશની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું કે ૧૯૫૦ માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે બંધારણ સભામાં સ્પષ્ટ કહ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક યોગદાન આપનાર 'વંદે માતરમ' ને રાષ્ટ્રગીત જેટલું જ ગૌરવ અને સ્થાન મળશે.

ઇતિહાસના પાના પલટાવી રજૂ કરાયા તથ્યો:

ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ૧૮૭૫ માં રચાયેલા આ ગીત સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગો પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ની પ્રથમ સવારે સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી પંડિત ઓમકારનાથ ઠાકુરે ઓલ ઈન્ડિયા રેડિયો પરથી સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરીને આઝાદીનું સ્વાગત કર્યું હતું. વંદે માતરમનો વિરોધ કરવો એ રાષ્ટ્રના ગૌરવને ઓછું આંકતી તુષ્ટિકરણની નીતિ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન:

બિલ પર ચર્ચાની શરૂઆત કરતાં ભાજપના સાંસદ ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ગીતે દેશના અસંખ્ય ક્રાંતિકારીઓને ફાંસીના માચે ચડવાની પ્રેરણા આપી છે. YSRCP ના ગોલ્લા બાબુરાવે બિલને આવકારતાં કહ્યું હતું કે વંદે માતરમ એ દેશભક્તિની પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે. આ ઉપરાંત BJD, AAP અને AIADMK સહિતના અન્ય પક્ષોના સભ્યોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. બિલ પસાર થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.

 

(7:51 PM IST)