News of Sunday, 28th June 2026
ભારતીય એવિએશન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : ડીજીસીએ દ્વારા 'ગગન' સિસ્ટમનો ઉપયોગ કરી દેશમાં પ્રથમ વખત જેટ એરક્રાફ્ટનું સેટેલાઇટ આધારિત સફળ લેન્ડિંગ કરાયું
ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિકસાવાયેલી ટેક્નોલોજીથી ઉદયપુર એરપોર્ટ પર ઇન્ડિગોના એરબસ A320 વિમાનનું સફળ પરીક્ષણ : ગ્રાઉન્ડ બેઝ્ડ સિસ્ટમ પરની નિર્ભરતા ઘટશે, સેકન્ડરી એરપોર્ટ પર સુરક્ષા અને કાર્યક્ષમતા વધશે

નવી દિલ્હી:ભારતીય ઉડ્ડયન નેવિગેશન સિસ્ટમને આધુનિક બનાવવાની દિશામાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ડીજીસીએ દ્વારા ભારતમાં પ્રથમ વખત જેટ એન્જિન ધરાવતા મોટા વિમાન પર સેટેલાઇટ-બેઝ્ડ લેન્ડિંગ સિસ્ટમ (SLS) એપ્રોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ ખાસ કવાયત રાજસ્થાનના ઉદયપુર એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના 'એરબસ A320' વિમાન પર 'ગગન' (GPS-એઇડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન) સિસ્ટમનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી હતી. આ સિસ્ટમને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવી છે.
ટર્બોપ્રોપ બાદ હવે જેટ વિમાનો માટે નવો માઈલસ્ટોન:
ઉડ્ડયન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પરીક્ષણ દરમિયાન એરક્રાફ્ટ દ્વારા વર્ટિકલ ગાઇડન્સ (LPV) એપ્રોચ સાથે લોકલાઇઝર પર્ફોર્મન્સનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. ભારતમાં જેટ વિમાનોના સંચાલનમાં સેટેલાઇટ આધારિત નેવિગેશનનો વિસ્તાર કરવાનો આ એક મોટો માઇલસ્ટોન છે. અહીં ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારતમાં આવી સેટેલાઇટ લેન્ડિંગ પ્રક્રિયાઓ માત્ર નાના ટર્બોપ્રોપ (પ્રોપેલર વાળા) એરક્રાફ્ટ સુધી જ મર્યાદિત હતી, પરંતુ હવે જેટ વિમાનો માટે પણ આ દ્વાર ખૂલી ગયા છે. ઇન્ડિગો એરલાઇન્સે વર્ષ ૨૦૨૨ માં તેના એટીઆર (ATR) ફ્લીટ પર સૌપ્રથમ એલપીવી કામગીરી શરૂ કરી હતી અને ત્યારથી કંપની સતત તેના એરક્રાફ્ટ ફ્લીટમાં સેટેલાઇટ-બેઝ્ડ ઓગમેન્ટેશન સિસ્ટમ (SBAS) સક્ષમ નેવિગેશનનો વિસ્તાર કરી રહી છે.
ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ પર નિર્ભરતા ઘટશે:
આ નવી સેટેલાઇટ-બેઝ્ડ લેન્ડિંગ સિસ્ટમ (SLS) ની મદદથી એરક્રાફ્ટ ચોકસાઈપૂર્વક લેન્ડિંગ કરવા માટે સેટેલાઇટ આધારિત સુધારાઓનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે એરપોર્ટ પર ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) જેવા મોંઘા ગ્રાઉન્ડ બેઝ્ડ સાધનો પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે, ખાસ કરીને એવા નાના એરપોર્ટ પર જ્યાં મોંઘી પ્રિસિઝન લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી. એક વરિષ્ઠ પાયલટે આ અંગે ટેકનિકલ વિગતો આપતા જણાવ્યું હતું કે, એસબીએએસ (SBAS) સિસ્ટમ જીઓસ્ટેશનરી સેટેલાઇટમાંથી કરેક્શન ડેટા બ્રોડકાસ્ટ કરીને સ્ટાન્ડર્ડ જીએનએસએસ (GNSS) સિગ્નલોની ચોકસાઈ, અખંડિતતા અને ઉપલબ્ધતામાં ઘણો વધારો કરે છે. પરિણામે પાયલટોએ માત્ર એરપોર્ટ પર ઇન્સ્ટોલ કરેલા સાધનો પર આધાર રાખવો પડતો નથી અને રનવે તરફ આગળ વધતી વખતે તેઓ સચોટ હોરિઝોન્ટલ અને વર્ટિકલ માર્ગદર્શન મેળવી શકે છે.
સ્વદેશી નેવિગેશન ક્ષમતા ધરાવતા પસંદગીના દેશોમાં ભારત સામેલ:
આ સફળ ડેવલપમેન્ટ સાથે જ ભારત હવે વિશ્વના એવા પસંદગીના દેશોના જૂથમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે પોતાની આગવી અને સ્વદેશી એસબીએએસ (SBAS) ક્ષમતા ઉપલબ્ધ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી વર્ષોમાં દેશના નાના અને સેકન્ડરી (ગૌણ) એરપોર્ટ પર વિમાનોની સુરક્ષામાં અભિવૃદ્ધિ કરવા તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવામાં આ 'ગગન' નેવિગેશન સિસ્ટમ ખૂબ જ મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવી પ્રબળ સંભાવના છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
