<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ભારતીય વાયુસેનાની ઐતિહાસિક સિદ્ધિ: સ્ક્વોડ્રન લીડર ભાવના કંથ દેશના પ્રથમ મહિલા ફાઇટર કોમ્બેટ લીડર બન્યા

મિથિલાની દીકરીએ ગ્વાલિયર ખાતે અદ્યતન તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી આકાશમાં રચ્યો નવો ઈતિહાસ, હવે યુદ્ધ દરમિયાન હવાઈ ઓપરેશન્સનું સંભાળશે નેતૃત્વ

દરભંગા, તા.૦૭: ભારતીય વાયુસેના અને દેશના નારીશક્તિના ઇતિહાસમાં એક અત્યંત ગૌરવવંતી ક્ષણ સામે આવી છે. મિથિલાની દીકરી અને સ્ક્વોડ્રન લીડર ભાવના કંથે ફાઇટર કોમ્બેટ લીડર (FCL) કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશના પ્રથમ મહિલા ફાઇટર કોમ્બેટ લીડર બનવાનું અપૂર્વ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ સાથે જ તેમણે ભારતીય સૈન્ય ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડ્યો છે, જ્યાં હવે મહિલાઓ માત્ર ફાઇટર પ્લેન જ નહીં ઉડાડતી પરંતુ યુદ્ધની પરિસ્થિતિઓમાં હવાઈ આક્રમણો અને ઓપરેશન્સનું નેતૃત્વ પણ સંભાળી શકશે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, બિહારના દરભંગા જિલ્લાના ઘનશ્યામપુર બ્લોકના બૌર ગામના વતની સ્ક્વોડ્રન લીડર ભાવના કંથે મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત ભારતીય વાયુસેનાના અત્યંત પ્રતિષ્ઠિત ટેકટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE) ખાતે આ કઠિન કોમ્બેટ તાલીમ કાર્યક્રમ પૂરો કર્યો છે. ઓગસ્ટ ૨૦૨૬માં આ તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ આ મુકામ હાંસલ કરનાર દેશની સર્વપ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની ગયા છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેઓ સત્તાવાર રીતે લડાકુ વિમાનોની સાથે યુદ્ધકાળ દરમિયાન એર ઓપરેશન્સની વ્યુહરચના અને સંચાલનનું નેતૃત્વ કરવા માટે સક્ષમ બન્યા છે.

 

ભાવના કંથ અગાઉ પણ દેશની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટોમાં સામેલ રહીને ઇતિહાસ રચી ચૂક્યા છે. તેમની આ સફર દેશની લાખો યુવતીઓ માટે પ્રેરણારૂપ રહી છે. મિથિલાના આ દીકરીએ પોતાની મહેનત, અડગ મનોબળ અને દેશભક્તિના જોરે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમના આ મુકામ પર પહોંચવાથી માત્ર તેમના પરિવાર કે ગામમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ છે અને ચારેય તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

 

વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાઇટર કોમ્બેટ લીડર કોર્સ એ વાયુસેનાનો સૌથી અઘરો અને તકનીકી રીતે ઉત્કૃષ્ટ તાલીમ કાર્યક્રમ માનવામાં આવે છે, જેમાં પાઇલટ્સની લડાકુ કુશળતા, રણનીતિક સૂઝબૂઝ અને નેતૃત્વ ગુણોની કઠિન પરીક્ષા લેવામાં આવે છે. આ કોર્સ પાસ કરનાર અધિકારીઓ વાયુસેનાની મુખ્ય સ્ટ્રાઈક ફોર્સના માસ્ટર તરીકે ગણવામાં આવે છે.

 

આ ઐતિહાસિક સફળતાથી ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની સમાન ભાગીદારી અને સશક્તિકરણનું એક નવું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં વાયુસેનાના મહત્વપૂર્ણ મિશનોમાં ભાવના કંથનું નેતૃત્વ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

(5:52 PM IST)