News of Sunday, 22nd November 2026
કુર્લાના ઉદ્યાનમાં યુવક-યુવતી સાથે થયેલી મારપીટના પ્રકરણમાં હવે હિન્દુ સંગઠનો મેદાને: આક્રોશ મોર્ચો અને ધરણાંની જાહેરાત
આક્રોશિત હિન્દુ-કુર્લા’ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં સોમવારે મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન સામે વિરોધ નોંધાવવામાં આવશે.

મુંબઈ: કુર્લાના ફિનિક્સ મોલ નજીક આવેલા પ્રમોદ મહાજન ઉદ્યાનમાં યુવક-યુવતી સાથે થયેલી મારપીટના પ્રકરણમાં હવે હિન્દુ સંગઠનોએ આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાના વિરોધમાં સોમવાર, 23 નવેમ્બરે કુર્લામાં આક્રોશ મોર્ચો અને ધરણાં યોજવામાં આવશે. ‘આક્રોશિત હિન્દુ-કુર્લા’ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમમાં મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન સામે વિરોધ નોંધાવવામાં આવશે. ઉદ્યાનમાં બનેલી મારપીટની ઘટના અને નાગરિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી સંગઠનો પ્રશાસન પાસે જવાબ માગશે.
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરે પ્રમોદ મહાજન ઉદ્યાનમાં એક યુવક અને યુવતી ફોટોગ્રાફ્સ લઈ રહ્યાં હતાં ત્યારે કેટલાક સગીરોએ તેમની સાથે રીતે મારપીટ કરી હતું. યુવક-યુવતીએ વિરોધ કરતાં સગીરોના જૂથે બંને પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં યુવકને માર મારવામાં આવતો અને યુવતી તેને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.
આ ઘટનામાં પોલીસે આઠ સગીરો સામે ગુનો નોંધ્યો હતો. તેમાંથી છ સગીરોને જુવેનાઈલ કોર્ટના આદેશથી 4 ડિસેમ્બર સુધી જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે મારપીટ પાછળનું કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી છે. જાહેર ઉદ્યાનમાં આવી ઘટના બનતાં સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
હિન્દુ સંગઠનો દ્વારા જાહેર કરાયેલા આંદોલનનો મુખ્ય મુદ્દો ઉદ્યાનમાં બનેલી મારપીટની ઘટના સામે વિરોધ નોંધાવવાનો છે. સંગઠનોએ મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનની જવાબદારી પર સવાલ ઉઠાવતાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરી છે. સોમવારે સાંજે 4 વાગ્યે કુર્લા પશ્ચિમના એસ. જી. બર્વે માર્ગ પર આવેલા ‘L’ વોર્ડ કચેરી પાસે આક્રોશ મોર્ચો અને ધરણાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે કુર્લા વિસ્તારમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ગરમાઈ છે. એક તરફ પોલીસ દ્વારા સગીરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોએ આંદોલન દ્વારા પ્રશાસનનું ધ્યાન આ મુદ્દા તરફ દોરવાનું નક્કી કર્યું છે. હવે આ વિરોધ કાર્યક્રમમાં કેટલા લોકો જોડાય છે અને મહાનગરપાલિકા તથા પોલીસ પ્રશાસન તરફથી શું પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર રહેશે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
