<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

હિમલિંગ ઝડપભેર પીગળવા લાગ્યું: બે ત્રણ દિવસ માંડ ટકી શકશે તેવા અહેવાલો

અમરનાથ યાત્રાનો ત્રીજો કાફલો કડક બંદોબસ્ત વચ્ચે રવાના: બાલટાલ અને પહેલગામ રૂટે ૪,૮૧૨ શ્રદ્ધાળુઓ આગળ વધ્યા

જમ્મુ/શ્રીનગર: અમરનાથ યાત્રાના ત્રીજા કાફલામાં આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રીનિવાસથી ૪,૮૧૨ શ્રદ્ધાળુઓ ૨૫૯ વાહનોના કાફલા સાથે બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પ તરફ રવાના થયા. બાલટાલ રૂટે ૨,૦૪૧ અને પહેલગામ રૂટે ૨,૭૭૧ યાત્રાળુઓ ગયા. કાફલામાં પુરુષો, મહિલાઓ, બાળકો, સાધુ-સાધ્વીઓનો સમાવેશ છે. 

અમરનાથ યાત્રાના પ્રતિક ગણાતા જગવિખ્યાત પવિત્ર હિમલિંગ ઝડપથી પીગળવાનો દાવો કેટલાક ભરોસાપાત્ર અહેવાલોમાં છે, પરંતુ સત્તાવાર જાહેરાત થઈ નથી. એવા અહેવાલો મળે છે કે હિમલિંગ આવે બે ત્રણ દિવસ માંડ ટકી શકશે.

જમ્મુથી મળતી વિગતો મુજબ અમરનાથ યાત્રાનો ત્રીજો જથ્થો બહુસ્તરીય સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે રવાના કરાયો. સત્તાવાર વિગતો અનુસાર કાફલામાં ૯૫ બસો, ૪૭ મધ્યમ મોટર વાહનો, ૧૧૬ હળવા મોટર વાહનો અને એક દ્વિચક્રી વાહન સામેલ હતું. બાલટાલ તરફનો કાફલો સવારે ૩ વાગ્યે અને પહેલગામ તરફનો કાફલો સવારે ૩.૨૪ વાગ્યે નીકળ્યો. આ જથ્થામાં ૩,૪૩૪ પુરુષ, ૯૬૬ મહિલા, ૧૧ બાળકો, ૨૪૪ સાધુ અને ૧૫૭ સાધ્વીઓ સામેલ છે. 

 

પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ અને અન્ય સુરક્ષા એજન્સીઓની તહેનાતી સાથે તબીબી ટીમો, એમ્બ્યુલન્સ અને એસ્કોર્ટ વાહનો પણ માર્ગ પર રાખવામાં આવ્યા છે. 

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ મુજબ યાત્રા ૩ જુલાઈથી શરૂ થઈ છે અને ૨૮ ઓગસ્ટે પૂર્ણ થશે.

(8:31 PM IST)