તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
આસામમાં હિમંતાનો જાદુ અકબંધ: ભાજપ ગઠબંધનનો ભવ્ય વિજય, કોંગ્રેસના દિગ્ગજ ગૌરવ ગોગોઈ જોરહાટમાં પરાસ્ત
પૂર્વોત્તરમાં ફરી એકવાર કેસરિયો લહેરાયો, NDA 97 બેઠકો પર આગળ: NRC અને વિકાસના મુદ્દે જનતાએ હિમંતા બિસ્વા સરમાની સરકાર પર મહોર મારી

ગુવાહાટી, તા.૦૪: આસામ વિધાનસભા ચૂંટણીના આજે જાહેર થયેલા વલણો અને પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં ફરી એકવાર હિમંતા બિસ્વા સરમાની સરકાર સત્તામાં વાપસી કરી રહી છે. ૧૨૬ બેઠકો ધરાવતી આસામ વિધાનસભામાં ભાજપ અને તેના સાથી પક્ષો (AGP અને UPPL) એ જોરદાર પ્રદર્શન કરતા બહુમતીનો ૬૪નો આંકડો વટાવી દીધો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ મુજબ NDA ૯૭ બેઠકો પર આગળ છે, જેમાં ભાજપ એકલું ૭૯ બેઠકો પર મજબૂત પકડ જાળવી રહ્યું છે.
ગૌરવ ગોગોઈને મોટો ફટકો, જોરહાટમાં ભાજપનો વિજય
આ ચૂંટણીના સૌથી મોટા સમાચાર જોરહાટ બેઠક પરથી આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય એકમના પ્રમુખ ગૌરવ ગોગોઈને ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામીએ ૨૩,૧૮૨ મતોના જંગી અંતરથી હાર આપી છે. ગૌરવ ગોગોઈ ૧૪ માંથી ૧૨ રાઉન્ડની ગણતરી સુધી સતત પાછળ રહ્યા હતા અને અંતે ભાજપે આ પ્રતિષ્ઠાભરી બેઠક આંચકી લીધી છે.
હિમંતા સરકારના મંત્રીઓનો દબદબો
ચૂંટણી પંચના આંકડા મુજબ, હિમંતા સરકારના મોટાભાગના મંત્રીઓ પોતપોતાની બેઠકો પર વિજયી લીડ જાળવી રહ્યા છે. જેમાં ચંદ્ર મોહન પટવારી, અતુલ બોરા, અજંતા નિયોગ અને પીયૂષ હજારિકા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. ભાજપે આ વખતે વિકાસની સાથે બાંગ્લાદેશી ઘૂસણખોરી અને CAA-NRC જેવા મુદ્દાઓ પર આક્રમક પ્રચાર કર્યો હતો, જે ફળદાયી સાબિત થયો હોય તેમ જણાય છે.
બદરુદ્દીન અજમલની લીડ, પણ વિપક્ષી ગઠબંધન પાછળ
બીજી તરફ, બિન્નાકાંડી બેઠક પરથી AIUDF ના વડા બદરુદ્દીન અજમલ પોતાના હરીફ કરતા ૧૦,૦૦૦ થી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. જોકે, કોંગ્રેસ અને AIUDF નું ગઠબંધન રાજ્ય સ્તરે ભાજપને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. એક્ઝિટ પોલ્સમાં જે રીતે NDA ની જીતની આગાહી કરવામાં આવી હતી, પરિણામો પણ લગભગ તે જ દિશામાં જઈ રહ્યા છે.
વિકાસ અને સુરક્ષાના મુદ્દે મતદાન
આ વખતે આસામમાં ૮૫.૯૬% જેટલું રેકોર્ડબ્રેક મતદાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની રેલીઓએ ભાજપના કાર્યકરોમાં નવો જોશ ભર્યો હતો. પૂરની સમસ્યા અને ચાના બગીચાના કામદારોના પ્રશ્નો વચ્ચે પણ જનતાએ સ્થિર સરકાર અને હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે આસામમાં ફરી એકવાર 'ડબલ એન્જિન'ની સરકાર વિકાસના કામોને વેગ આપશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
