તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 11th October 2026
આસામમાં હિમંતા બિસ્વા શર્માનો ચૂંટણી માસ્ટરસ્ટ્રોક: મુસ્લિમ બહુમતી ધરાવતી નાગાંવ બેઠક પર ભાજપનો ઐતિહાસિક વિજય
AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલને 1.4 લાખથી વધુ મતોથી પરાસ્ત કર્યા, કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ

દિશપુર : વિપક્ષ દ્વારા દેશભરમાં ભાજપ અને મુસ્લિમ સમુદાય વચ્ચે રાજકીય અસ્પૃશ્યતા હોવાનો દાવો સતત કરવામાં આવતો હોય છે, પરંતુ તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ આ તમામ રાજકીય ધારણાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી છે. પશ્ચિમ બંગાળની રેજીનગર વિધાનસભા બેઠક અને આસામની મુસ્લિમ બહુમતી ધરાવતી નાગાંવ લોકસભા બેઠક પર ભાજપના શાનદાર વિજયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સચોટ ચૂંટણી રણનીતિને લીધે નાગાંવ બેઠક પર ભાજપના ઉમેદવાર દેવાશીષ શર્માએ AIUDFના પ્રમુખ બદરુદ્દીન અજમલને આશરે 1.4 લાખ મતોના જંગી માર્જિનથી હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે.
વર્ષ 2023માં સીમાંકન (Delimitation) ની નવી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગાંવ બેઠક સ્પષ્ટપણે મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક બની ગઈ હતી. અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા બહુમતીમાં હોવાથી ભાજપ માટે જીત અશક્ય માનવામાં આવતી હતી. જોકે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પોતાની વહીવટી અને રાજકીય ચતુરતાથી તમામ સમુદાયો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડીને સર્વસમાવેશક વિકાસની નીતિ અપનાવી હતી. પેટાચૂંટણી દરમિયાન તેમણે બેઠક પરના તમામ સમુદાયોને સાથે રાખીને વિરોધી મતોનું ધ્રુવીકરણ રોકવામાં સફળતા મેળવી હતી.
આ પેટાચૂંટણીમાં ભાજપે પૂર્વ સિવિલ સર્વન્ટ દેવાશીષ શર્માને મેદાનમાં ઉતાર્યા હતા, જેમણે જિલ્લા કમિશનર તરીકે લોક કલ્યાણના કામો કરીને સ્થાનિક રહીશોમાં મજબૂત પકડ બનાવી હતી. બીજી તરફ AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલ મોડા મેદાનમાં ઉતરતાં અને કોંગ્રેસ અલગથી ચૂંટણી લડતાં વિપક્ષી મતોનું મોટું વિભાજન થયું હતું. પરિણામે દેવાશીષ શર્માને 7.13 લાખથી વધુ મત મળ્યા હતા, જ્યારે બદરુદ્દીન અજમલ બીજા ક્રમે રહ્યા અને કોંગ્રેસના ઉમેદવાર શિબામોણી બોરા ત્રીજા સ્થાને ફેંકાઈ ગયા હતા.
આસામ અને બંગાળની આ પેટાચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે યોગ્ય ચૂંટણી વ્યવસ્થાપન અને જનકલ્યાણકારી યોજનાઓના જોરે મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પણ ભાજપ પોતાની સ્વીકાર્યતા વધારી રહ્યું છે. નાગાંવ લોકસભા બેઠક પર મેળવેલી આ જીત બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની ચૂંટણી રણનીતિની પ્રશંસા થઈ રહી છે. વિપક્ષો માટે આ પરિણામો આત્મમંથન સમાન બન્યા છે, જ્યારે ભાજપ આગામી દિવસોમાં આ જ સફળ મોડલ આધારે અન્ય રાજ્યોમાં પણ લઘુમતી બહુમતી ધરાવતાં ક્ષેત્રોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા આગળ વધશે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
