તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
મહાભૂકંપના જોખમ સામે હિમાલયી દેશોની ‘મહાકવાયત’
ભારત સમર્થિત CDRIની મદદથી ભુતાનમાં 7.5ની તીવ્રતાના કલ્પિત ભૂકંપની મોકડ્રીલ નેપાળના નિષ્ણાતોનું ટેકનિકલ માર્ગદર્શન : હોસ્પિટલથી ઈમરજન્સી ટીમ સુધીની સજ્જતા ચકાસાઈ : બચાવ સાધનોની અછત અને સંકલનની ખામીઓ સામે આવતાં સુધારાની કવાયત

કાઠમંડુ/થિમ્પુ : હિમાલયી ક્ષેત્રમાં વિનાશક ભૂકંપના સતત તોળાતા જોખમ વચ્ચે ભારત, ભુતાન અને નેપાળના સહયોગનું મહત્વનું ઉદાહરણ સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2019માં શરૂ કરાયેલા ‘કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (CDRI)ના સહયોગથી ભુતાનની રાજધાની થિમ્પુમાં 7.5ની તીવ્રતાના વિનાશક ભૂકંપની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરી મોટા પાયે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ કવાયતમાં નેપાળના ભૂકંપ અને આપત્તિ વ્યવસ્થાપન નિષ્ણાતોએ મહત્વનું ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોકડ્રીલનો મુખ્ય હેતુ મોટી કુદરતી આપત્તિ સર્જાય ત્યારે સરકારી તંત્ર, હોસ્પિટલો, ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો અને સુરક્ષા દળો વચ્ચેનું સંકલન કેટલું ઝડપી અને અસરકારક રહે છે તેની વાસ્તવિક કસોટી કરવાનો હતો.
અભ્યાસ દરમિયાન થિમ્પુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જવામાં આવી હતી. મુખ્ય હોસ્પિટલ અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એકસાથે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તો પહોંચે, ભૂસ્ખલનને કારણે માર્ગો બંધ થઈ જાય તેમજ વીજળી અને ટેલિકોમ સેવાઓ ખોરવાઈ જાય તેવી વિવિધ કટોકટીની સ્થિતિનું સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી માર્ગો તથા પુલોની સ્થિતિ અને તાત્કાલિક મદદ પહોંચાડવાની તંત્રની ક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવી હતી.
બચાવ સાધનોની અછત સામે આવી
મોકડ્રીલમાં ભુતાનની આપત્તિ પ્રતિભાવ વ્યવસ્થાની કેટલીક મહત્વપૂર્ણ ખામીઓ પણ સામે આવી હતી. મોટી હોનારતના સમયે ઝડપી ‘સર્ચ એન્ડ રેસ્ક્યુ’ કામગીરી માટે જરૂરી આધુનિક સાધનોની ઉપલબ્ધતા વધારવાની જરૂરિયાત જણાઈ હતી. અધિકારીઓ વચ્ચે માહિતીનું ઝડપી આદાન-પ્રદાન, નિર્ણય પ્રક્રિયા અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવાની જરૂર હોવાનું પણ અભ્યાસમાં સામે આવ્યું હતું.
આ પ્રોજેક્ટની રચનામાં નેપાળની ‘નેશનલ સોસાયટી ફોર અર્થક્વેક ટેક્નોલોજી’ (NSET)ના નિષ્ણાતોની મહત્વની ભૂમિકા રહી હતી. વર્ષ 2015ના વિનાશક નેપાળ ભૂકંપમાંથી મળેલા અનુભવો અને પાઠના આધારે ભુતાનની ‘થિમ્પુ અર્થક્વેક કન્ટિંજન્સી પ્લાન’ને વધુ અસરકારક બનાવવા ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નેપાળી નિષ્ણાતોની ભલામણોમાં સ્થાનિક સ્તરે તાલીમબદ્ધ ફર્સ્ટ-રિસ્પોન્ડર ટીમો તૈયાર કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી મોટી આપત્તિ સર્જાય ત્યારે બહારથી મદદ પહોંચે તે પહેલાં સ્થાનિક સ્તરે જ બચાવ કામગીરી શરૂ થઈ શકે.
મોદી દ્વારા શરૂ કરાયેલા CDRIનો સહયોગ
આ કવાયતને નવી દિલ્હી સ્થિત ‘કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (CDRI)નું સમર્થન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2019માં ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ એક્શન સમિટ દરમિયાન CDRIની શરૂઆત કરી હતી.
CDRIનો મુખ્ય ઉદ્દેશ ભૂકંપ, પૂર, વાવાઝોડાં સહિતની કુદરતી આફતો સામે ટકી શકે તેવા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને અનુભવોની આપ-લે વધારવાનો છે.
ભૂકંપની દૃષ્ટિએ ભુતાન સંવેદનશીલ
પૂર્વ હિમાલયી વિસ્તારમાં આવેલું ભુતાન ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાય છે. આથી મોટી કુદરતી આફત આવે તે પહેલાં જ રાહત-બચાવ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતા ચકાસવા આવી મોકડ્રીલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
થિમ્પુમાં યોજાયેલી આ કવાયતમાંથી સામે આવેલી ખામીઓ અને નિષ્ણાતોની ભલામણોના આધારે હવે આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવશે. ભારત સમર્થિત આંતરરાષ્ટ્રીય મંચ, નેપાળની ટેકનિકલ કુશળતા અને ભુતાનની સ્થાનિક વ્યવસ્થાના આ સમન્વયને હિમાલયી ક્ષેત્રમાં ભવિષ્યની કુદરતી આફતો સામે સજ્જતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
