<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

હિલ-સ્‍ટેશનો પર વરસાદી હાહાકારઃ લોનાવલામાં ૨૪ કલાકમાં ૨૭ ઈંચ

લોનાવલામાં પડ્‍યો એવો વરસાદ જે ૧૦૦૦ વર્ષમાં એકાદ વખત જ પડે, ૪૮ કલાકમાં કુલ ૧૨૯૦ મીમી (૫૨ ઇંચ) વરસાદ પડ્‍યો : મહાબળેશ્વરમાં ૧૦૦ વર્ષનો રેકોર્ડ-બ્રેક વરસાદ, ૨૪ કલાકમાં ૨૦ ઇંચ ખાબક્‍યોઃ અનેક ધોધ સક્રિય થઈને જોખમી સ્‍તરે વહી રહ્યા હતા

લોનાવલામાં અતિશય ભારે વરસાદને પગલે ઇન્‍દ્રાયણી અને પવના નદીમાં પૂર આવ્‍યું હતું, જેને કારણે નીચાણવાળા અનેક વિસ્‍તારો પાણીમાં એકાકાર થયા હતા, મહાબળેશ્વરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થઈને જોખમી સ્‍તરે વહી રહ્યા હતા.લોનાવલામાં પડ્‍યો એવો વરસાદ જે ૧૦૦૦ વર્ષમાં એકાદ વખત જ પડે, ૪૮ કલાકમાં કુલ ૧૨૯૦ મિલીમીટર વરસાદ પડ્‍યો લોનાવલામાં રેસિડેન્‍શિયલ વિસ્‍તારોમાં ગઈ કાલે પૂરનાં પાણી ભરાતાં રેસ્‍ક્‍યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

સહ્યાદ્રિ પર્વતમાળાઓનો એક ભાગ અને મુંબઈગરાઓના માનીતા હિલ સ્‍ટેશન લોનાવલામાં પાંચમી જુલાઈએ અભૂતપૂર્વ ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્‍યો હતો જેને ૧૦૦૦ વર્ષમાં એકાદ વખત પડે એવો વરસાદ માનવામાં આવે છે. ત્‍યાર બાદ ૬ જુલાઈએ ૬૨૦ મિલીમીટર વરસાદ પડ્‍યો હતો જેને રેઇનફોલ ફ્રીકવન્‍સીની સંભાવનાના સંદર્ભમાં ૫૦૦ વર્ષમાં એકાદ વખતનો વરસાદ માનવામાં આવે છે.

આ એનેલિસિસ ભારતીય હવામાન વિભાગ (IMD)ના સેન્‍ટ્રલ વોટર કમિશન (CWC) ઍટલસ, ૨૦૧૫ મુજબ, રેઇનફોલ ફ્રીકવન્‍સી પર આધારિત હતું. IMD-પુણેના ક્‍લાઇમેટ રિસર્ચ ઍન્‍ડ સર્વિસિસના ભૂતપૂર્વ વડા કે.એસ. હોસલિકર મુજબ લોનાવલામાં ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્‍યો જે ૧૦૦૦ વર્ષની રેઇનફોલ ફ્રીકવન્‍સી (૬૫૪ મિલીમીટર)ની સમકક્ષ છે.

હવામાન ખાતા મુજબ લોનાવલામાં આટલા ભારે વરસાદનો પાછો ફરવાનો સમયગાળો ૧૦૦૦ વર્ષનો છે એટલે કે ૧૦૦૦ વર્ષમાં ફક્‍ત એક જ વાર લોનાવલામાં ૬૫૦ મિલીમીટરથી વધુ વરસાદ પડે છે

લોનાવલાએ એક નવો ઑલટાઇમ રેકોર્ડ (ATR) બનાવ્‍યો છે જેમાં માત્ર ૨૪ કલાકમાં ૬૭૦ મિલીમીટર વરસાદ પડ્‍યો છે જે એને ભોર ઘાટ વિભાગમાં જોવા મળેલી સૌથી નોંધપાત્ર ચોમાસાની ઘટનાઓમાંની એક બનાવે છે. ૬૨૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ એ એક ઘટના છે જે લગભગ દર ૫૦૦ વર્ષે એક વાર અને ૬૭૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ એ એક અત્‍યંત દુર્લભ ઘટના છે જે લગભગ દર ૧૦૦૦ વર્ષે એક વાર થાય છે.

૬ જુલાઈએ ઘાટમાં સૌથી વધુ વરસાદ દાવડી (૬૮૮ મિલીમીટર), લોનાવલા (૬૨૦ મિલીમીટર)માં પડ્‍યો હતો જેને કારણે જનજીવનને ભારે અસર થઈ હતી. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે.

મહાબળેશ્વરમાં ૧૦૦ વર્ષનો રેકોર્ડ-બ્રેક વરસાદ, ૨૪ કલાકમાં ૫૧૩ મિલીમીટર ખાબક્‍યો

રાજ્‍યમાં ધોધમાર વરસી રહેલા વરસાદમાં સાતારા જિલ્‍લામાં રેકોર્ડ-બ્રેક વરસાદ થઈ રહ્યો છે. મુંબઈગરાના માનીતા ટૂરિસ્‍ટ સ્‍પોટ એવા મહાબળેશ્વરમાં ૨૪ કલાકમાં ૫૧૩ મિલીમીટર એટલે કે ૨૦ ઇંચ જેટલો વરસાદ થયો છે. એવું કહેવાય છે કે છેલ્‍લાં ૧૦૦ વર્ષમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.

આ વરસાદમાં સાતારા જિલ્‍લાના પヘમિમાં આવેલી પર્વતમાળામાં જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. મહાબળેશ્વરમાં ઠેકઠેકાણે રસ્‍તા પર પાણી ભરાયાં છે, ભેખડો ધસી પડી છે, રસ્‍તા તૂટી ગયા છે, ઝાડ ઊખડી ગયા છે. વીજળીની સપ્‍લાય ખંડિત થઈ છે અને અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામ્‍ય વિસ્‍તારના ઘાટમાંથી પસાર થતા રસ્‍તાઓ પર માટીના ઢગલા, મોટા-મોટા પથ્‍થરો પડવાને કારણે રસ્‍તા બ્‍લોક થઈ ગયા છે અને વાહનવ્‍યવહાર ઠપ થઈ ગયો છે.  મહાબળેશ્વરમાં ૬ જુલાઈએ થયેલી ૫૧૩ મિલીમીટર વરસાદની નોંધ એ સાતારા જિલ્‍લામાં અત્‍યાર સુધી પડેલા સૌથી વધુ વરસાદની નોંધમાંની એક છે.

આ રેકોર્ડ-બ્રેક વરસાદને કારણે પ્રશાસન સાવચેત થઈ ગયું છે અને લોકોને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળો એમ કહેવાયું છે. એક બાજુ મહાબળેશ્વરના ધોધ, વેણ્‍ણા લેક અને તળાવ ઓવરફલો થઈ રહ્યાં છે ત્‍યારે બીજી બાજુ આ મુશળધાર વરસાદ લોકો માટે મુસીબત પણ બની રહ્યો છે.

સાતારાના ખંડાળા તાલુકાના અતિટ ગામમાં ક્‍લાઉડ-બર્સ્‍ટ જેવી પરિસ્‍થિતિ સર્જાઈ હતી. ડુંગરાઓમાંથી પણ પાણીનો જોરદાર પ્રવાહ આવવાને કારણે નદી-નાળાંઓમાં પૂર આવ્‍યાં છે. ગામના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયાં છે. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે જેના કારણે તેમની બધી જ ઘરવખરી ભીંજાઈ ગઈ છે અને બહુ બધું નુકસાન થયું છે. ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. સરકારે તેમના નુકસાનનું પંચનામું કરી ગામવાસીઓ ને ખેડૂતોને આર્થિક મદદ કરવી એવી લોકો માગણી કરી રહ્યા છે

(10:19 AM IST)