તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 14th May 2026
હાઇવે પર હવે નહીં લાગે લાઈનો, ગાડીઓ રોક્યા વગર જ કપાઈ જશે ટોલ: મોદી સરકારનો માસ્ટર પ્લાન ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ (MLFF) દર વર્ષે બચાવશે ૨,૫૦૦ મિલિયન લિટર ઇંધણ
ટોલ ગેટના અવરોધો દૂર કરી ૧૦૦ની ઝડપે પસાર થશે વાહનો: નીતિન ગડકરીએ ગુજરાતમાં શરૂ કર્યો દેશનો પ્રથમ ‘બેરિયર-ફ્રી’ પ્લાઝા, વાર્ષિક રૂ. ૬,૦૦૦ કરોડની થશે બચત

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ભારતીયોને ઇંધણ બચાવવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા જે અપીલ કરી હતી, તેની પાછળ એક મોટું આર્થિક ગણિત છુપાયેલું છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે ભારત સરકાર હવે હાઇવે મુસાફરીમાં ક્રાંતિકારી સુધારો લાવી રહી છે. આ સુધારાનું નામ છે ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ (MLFF) સિસ્ટમ, જે ટોલ નાકા પર વાહનોને ઉભા રાખવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ અપાવશે.
શું છે MLFF સિસ્ટમ અને તે કેવી રીતે કામ કરશે?
અત્યાર સુધી FASTag હોવા છતાં વાહનોએ ટોલ ગેટ પર બેરિયર ખુલવાની રાહ જોવી પડે છે, જેનાથી ટ્રાફિક જામ અને ઇંધણનો બયાગ થાય છે. MLFF સિસ્ટમમાં ટોલ નાકા પર કોઈ પણ પ્રકારના અવરોધ (બેરિયર) હશે નહીં. હાઇવે પર હાઇ-ટેક AI કેમેરા અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ લગાવવામાં આવશે. વાહન ૮૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થશે ત્યારે કેમેરા નંબર પ્લેટ સ્કેન કરી લેશે અને તમારા ખાતામાંથી ટોલના પૈસા આપોઆપ કપાઈ જશે.
ગુજરાતથી થઈ શરૂઆત, દર વર્ષે અબજોનું ઇંધણ બચશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ દિલ્હીમાં આ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે, જ્યારે ગુજરાતના ચોર્યાસીમાં ભારતનો પ્રથમ ‘બેરિયર-ફ્રી’ ટોલ પ્લાઝા ૧ મેથી કાર્યરત થઈ ચૂક્યો છે. આ ટેકનોલોજીને કારણે વાહનોને ટોલ પર નિષ્ક્રિય (Idle) ઉભા રહેવું નહીં પડે, જેનાથી દર વર્ષે દેશમાં આશરે ૨,૫૦૦ મિલિયન લિટર ઇંધણની બચત થશે. ભારત તેની જરૂરિયાતનું ૮૫ ટકા તેલ આયાત કરે છે, ત્યારે આ બચત દેશની અર્થવ્યવસ્થા માટે સંજીવની સમાન સાબિત થશે.
માત્ર ઇંધણ જ નહીં, સુરક્ષામાં પણ વધારો
આ નવી સિસ્ટમ માત્ર પૈસા અને સમય જ નહીં બચાવે, પરંતુ તે ટ્રાફિક નિયમોના અમલીકરણમાં પણ મદદરૂપ થશે. MLFF ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવા કેમેરા હશે જે ચાલુ ગાડીએ સીટબેલ્ટ ન પહેર્યો હોય કે ડ્રાઇવર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હોય તો તેને તરત જ શોધી કાઢશે અને ઓટોમેટિક ડિજિટલ મેમો ઘરે પહોંચી જશે. આનાથી મેન્યુઅલ ચેકિંગ વગર જ સુરક્ષાના નિયમોનું કડક પાલન થશે.
લોજિસ્ટિક્સ અને વેપારમાં મોટી રાહત
ભારતના માલવાહક ટ્રકો અને ભારે વાહનો માટે આ સિસ્ટમ વરદાન સાબિત થશે. ટોલ પ્લાઝા પર લાગતી કતારોને કારણે ડિલિવરીમાં મોડું થાય છે અને ભારે એન્જિન વધુ ડીઝલ બાળે છે. સરકારના અંદાજ મુજબ, આ ટેકનોલોજીથી ટોલ વસૂલાતનો ઓપરેશનલ ખર્ચ ૧૫ ટકાથી ઘટીને માત્ર ૩-૪ ટકા થઈ જશે, જેનાથી વાર્ષિક રૂ. ૫,૦૦૦ થી ૬,૦૦૦ કરોડનો સીધો ફાયદો થશે. FASTag બાદ આ ભારતની હાઇવે સિસ્ટમનું સૌથી મોટું ડિજિટલ અપગ્રેડ છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
