તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
હાઈવે પર હવે ગાડીઓની સ્પીડમાં બ્રેક નહીં લાગે: નીતિન ગડકરીની મોટી જાહેરાત, ડિસેમ્બર સુધીમાં દેશભરમાં 'બેરિયર-ફ્રી' ટોલ સિસ્ટમ શરૂ થશે
ફાસ્ટટેગ અને AI ટેકનોલોજીનો થશે જાદુઈ સંગમ; ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા વગર જ આપોઆપ ટેક્સ કપાશે, નિયમ તોડનારાઓને ઘરે પહોંચશે ઈ-નોટિસ

નવી દિલ્હી: ભારતના હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક શાનદાર ભેટની જાહેરાત કરી છે. શુક્રવારે યોજાયેલી 'લોજિસ્ટિક્સ શક્તિ સમિટ ૨૦૨૬'માં સંબોધન કરતા ગડકરીએ જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર મહિના સુધીમાં દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 'બેરિયર-ફ્રી' ટોલિંગ સિસ્ટમ એટલે કે અવરોધ વગરની ટોલ વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવશે. આ નવી ટેકનોલોજીને કારણે વાહનચાલકોએ હવે ટોલ બુથ પર ઉભા રહીને સમય બગાડવો નહીં પડે.
નીતિન ગડકરીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતને જો વિશ્વની મોટી આર્થિક સત્તા બનવું હોય તો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવો અત્યંત જરૂરી છે. અત્યારે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારોને કારણે જે ઈંધણ અને સમયનો બગાડ થાય છે, તેને આ નવી સિસ્ટમ દ્વારા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. સરકારનો લક્ષ્યાંક છે કે મુસાફરો એક પણ સેકન્ડ થોભ્યા વગર હાઈવે પર પોતાની સફર ચાલુ રાખી શકે.
આ આધુનિક સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
આ નવી વ્યવસ્થા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અત્યાધુનિક કેમેરા પર આધારિત હશે:
• ANPR કેમેરા: હાઈવે પર હાઈ-પર્ફોમન્સ ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઈશન (ANPR) કેમેરા લગાવવામાં આવશે, જે દોડતા વાહનની નંબર પ્લેટ વાંચી લેશે.
• RFID ટેકનોલોજી: વાહનના ફાસ્ટટેગ (FASTag) ને રીડર દ્વારા સ્કેન કરીને સીધા જ બેંક ખાતામાંથી ટોલની રકમ કાપી લેવામાં આવશે.
• નો-સ્ટોપ મુસાફરી: વાહનચાલકોએ બેરિયર ખુલવાની રાહ જોવાની જરૂર નહીં રહે, તેઓ સામાન્ય સ્પીડમાં જ ટોલ નાકા પરથી પસાર થઈ શકશે.
નિયમ તોડનારાઓ સાવધાન!
જો કોઈ વાહનચાલક ટોલની ચુકવણીમાં ગેરરીતિ કરશે અથવા ટેક્સ નહીં ભરે, તો તેના ઘરે સીધી ઈ-નોટિસ મોકલવામાં આવશે. એટલું જ નહીં, જો દંડની ચુકવણી કરવામાં મોડું થશે, તો જે-તે વાહનનું ફાસ્ટટેગ રદ પણ થઈ શકે છે અને 'વાહન' (VAHAN) પોર્ટલ પર સંબંધિત અન્ય આકરા દંડ પણ ફટકારવામાં આવશે. આ ડિજિટલ ક્રાંતિથી હાઈવે પરની મુસાફરી માત્ર ઝડપી જ નહીં પણ પારદર્શક પણ બનશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
