News of Tuesday, 7th July 2026
હાઇવે પર હૈવાનિયત: બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે પર ફિલ્મી ઢબે પીછો કરી પરિવાર પર જીવલેણ હુમલો, ડેશકેમ વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટ
પત્ની અને માસુમ બાળકોની સામે જ તૂટી પડ્યા ગુંડાઓ; કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટનામાં ૩ નરાધમો જેલભેગા

માંડ્યા, તા.૦૭: બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવી દેનારી રોડ રેજ (Road Rage) ની ઘટના સામે આવી છે, જેણે હાઇવે પર મુસાફરી કરતા પરિવારોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. ભારે ટ્રાફિક વચ્ચે એક નિર્દોષ પરિવારની કારને ઘેરીને, ગાડીના કાચ તોડી, પરિવારના મોભીને રસ્તા વચ્ચે ઢસડીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પાછળથી આવી રહેલી એક અન્ય કારના ડેશકેમ (Dashcam) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફેલાયો છે, જેના પગલે પોલીસે તાબડતોબ એક્શન લઈને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
નજીવી વાતમાં લોહી તરસ્યા બન્યા હુમલાખોરો
પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર સાગર નામનો યુવક બેંગલુરુનો વતની છે. તે રવિવારે રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે તેની પત્ની, નાના બાળકો અને એક વયોવૃદ્ધ મહિલા સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. માંડ્યા જિલ્લાના મદ્દુર નજીક એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક દરમિયાન સાગરની કાર કથિત રીતે અન્ય એક વાહન સાથે સામાન્ય અથડાઈ હતી. આ અકસ્માત બાદ બીજી કારમાં સવાર શખ્સો હોશ ખોઈ બેઠા હતા અને તેમણે સાગરની કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.
પત્ની કરગરતી રહી, પણ નરાધમો ન અટક્યા
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હુમલાખોરોએ હાઇવેની વચ્ચોવચ સાગરની ગાડી આગળ પોતાની કાર આડી નાખી તેને રોકી દીધી હતી. ત્યારબાદ ચાર-પાંચ જણાએ સાગરની કારને ઘેરી લીધી અને તેને બળજબરીથી બહાર ખેંચી કાઢી લાતો અને મુક્કાઓથી માર મારવાનું શરૂ કર્યું. આ ભયાનક દ્રશ્ય જોઈ કારમાં બેઠેલા બાળકો ચીસાચીસ કરવા લાગ્યા હતા. સાગરની પત્ની પોતાના પતિનો જીવ બચાવવા માટે હુમલાખોરો સામે કરગરી રહી હતી અને વચ્ચે પડીને તેમને રોકવાનો પ્રયાસ કરતી રહી હતી. હાઇવે પરથી પસાર થતા અન્ય એક વાહનચાલકે પણ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ગુંડાઓએ મારપીટ ચાલુ જ રાખી હતી.
પોલીસની મોટી કાર્યવાહી, અન્ય શંકાસ્પદોની શોધખોળ શરૂ
આ ભયાનક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સાગરે સોમવારે માંડ્યા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ડેશકેમ ફૂટેજના આધારે તાત્કાલિક ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુનામાં સામેલ અને હુમલા બાદ ફરાર થઈ ગયેલા અન્ય શંકાસ્પદ બદમાશોને પકડવા માટે પોલીસની ખાસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે હાઇવે પર પેટ્રોલિંગ વધારવાની અને આવા રોડ રેજના ગુનેગારો સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
