<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ઈરાનમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: પિતા અલી ખામેનીના જનાજામાં સામેલ નહીં થાય નવા સુપ્રીમ લીડર મોજતબા! જાણો શું છે અસલી રહસ્ય

ઈઝરાયેલ અને અમેરિકાના સંભવિત 'હાઈટેક એટેક'ના ડરથી ઈરાનની સુરક્ષા એજન્સીઓએ મોજતબા ખામેનીના જાહેરમાં આવવા પર લગાવ્યો સખત પ્રતિબંધ

તેહરાન:  ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના અમેરિકી-ઈઝરાયેલી હુમલામાં મોતના સમાચાર બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેહરાન, કોમ અને મશહદ જેવા પવિત્ર શહેરોમાં લાખોની ભીડ પોતાના આધ્યાત્મિક નેતાને અંતિમ વિદાય આપવા ઉમટી રહી છે, અને સમગ્ર દેશમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ગંભીર શોક અને તણાવની ક્ષણો વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અલી ખામેનીના પુત્ર અને ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની પોતાના સગા પિતાના અંતિમ સંસ્કારમાં જાહેરમાં હાજરી આપવાના નથી. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે અનેક અટકળો તેજ થઈ ગઈ છે.

ભારતમાં સુપ્રીમ લીડરના આધ્યાત્મિક પ્રતિનિધિ આયાતુલ્લાહ હકીમ ઈલાહીએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવ્યું છે કે, મોજતબા ખામેની પોતે આ જનાજાનું આગળથી નેતૃત્વ કરવા માંગતા હતા, પરંતુ ઈરાનની ટોચની સુરક્ષા એજન્સીઓએ તેમને બહાર નીકળવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આજકાલની અત્યંત અદ્યતન સેટેલાઇટ અને ડ્રોન ટેક્નોલોજીના જમાનામાં મોજતબા પર ગમે ત્યારે ઘાતક હુમલો થઈ શકે છે અને આવા સંવેદનશીલ વાતાવરણમાં તેમને ફૂલપ્રૂફ સુરક્ષા આપવી અશક્ય છે. પિતાએ અંતિમયાત્રા માટે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નક્કી નહોતું કર્યું, તેથી જો પરિસ્થિતિ સામાન્ય હોત તો મોજતબા જ નેતૃત્વ કરત, પરંતુ હાલમાં તેમનું બહાર આવવું ખુલ્લેઆમ મોતને વહાલું કરવા સમાન હોવાથી તેઓ પડદા પાછળ જ રહેશે.

બીજી તરફ, આ મહાસંકટના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીના એક એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' માં પણ ટ્રાફિકની સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. આ વ્યૂહાત્મક માર્ગ પરથી દરરોજ સરેરાશ ૨૦ થી ૨૧ મિલિયન બેરલ કાચું તેલ લઈને પસાર થતા ડઝનબંધ વિશાળકાય જહાજો અને ઓઇલ ટેન્કરો પર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. ઈરાન આ વૈશ્વિક જળમાર્ગ પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય બજારો અત્યારે ધ્રુજી રહ્યા છે કે જો આ તણાવ વધશે તો વૈશ્વિક તેલ પુરવઠો ઠપ થઈ જશે. આ તમામ આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ આયાતુલ્લાહ હકીમ ઈલાહીએ દાવો કર્યો છે કે ઈરાન આ ધર્મયુદ્ધમાં વિજયી બનશે અને તેઓ પોતે આ ઐતિહાસિક અંતિમ સંસ્કારમાં ભાગ લેવા તેહરાન રવાના થઈ રહ્યા છે.

(11:33 PM IST)