તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
મિડલ ઈસ્ટમાં ભારે તણાવ: હુતીઓનો સાઉદી અરેબિયા પર મિસાઈલો છોડી : ૬ બેલિસ્ટિક મિસાઈલો હવામાં જ ભસ્મીભૂત!
સાઉદી શહેરો યાનબુ અને તૈફને નિશાન બનાવી છોડાયેલી તમામ મિસાઈલોને ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી: સાઉદી ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-મલકીએ લાલ આંખ કરી કડક કાર્યવાહીની ચીમકી આપી

રિયાધ: મિડલ ઈસ્ટમાં યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો અને સાઉદી અરેબિયા સમર્થિત દળો વચ્ચે યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર અને તંગ બની ગઈ છે. હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના મહત્વના શહેરોને લક્ષ્ય બનાવીને એકસાથે ૬ જેટલી ઘાતક બેલિસ્ટિક મિસાઈલો છોડીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, સાઉદી અરેબિયા સમર્થિત યેમેની દળો અને એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને નિષ્ફળ બનાવી તમામ ૬ બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડીને ભસ્મીભૂત કરી દીધી છે.
યમનમાં સાઉદી આગેવાની હેઠળના ગઠબંધન સેનાના પ્રવક્તા તુર્કી અલ-મલકીએ આ અંગે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, હુથી આતંકવાદીઓ દ્વારા સાઉદી અરેબિયાના કીમતી શહેરો 'યાનબુ' અને 'તૈફ'ને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. જોકે, સેનાની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી (એર ડિફેન્સ) એ સમયસૂચકતા વાપરી તમામ મિસાઈલોને લક્ષ્ય પર પહોંચે તે પહેલા જ આકાશમાં નષ્ટ કરી દીધી હતી. આ હુમલા પહેલા સાઉદી સિવિલ ડિફેન્સ દ્વારા મક્કા, તાબુક, જેદ્દાહ, યાનબુ અને તૈફ જેવા વિસ્તારો માટે ઈમરજન્સી થ્રેટ અલર્ટ (ચેતવણી) જારી કરવામાં આવી હતી.
આ નિષ્ફળ હુમલા બાદ ગઠબંધન પ્રવક્તા અલ-મલકીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવતા આ પ્રકારના આતંકવાદી હુમલાઓ પ્રદેશમાં ભારે તણાવ વધારી રહ્યા છે અને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આ બળવાખોરો સામે ટૂંક સમયમાં જ અત્યંત કડક અને આકરા લશ્કરી પગલાં લેવામાં આવશે!" જોકે, આ મિસાઈલો તોડી પાડ્યા બાદ તેના કાટમાળથી જમીન પર કોઈ નુકસાન થયું છે કે નહીં તે અંગે સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, યમનમાં વર્ષ ૨૦૧૪ના અંતથી જ આ ભયાનક સંઘર્ષ ચાલી રહ્યો છે, જ્યારે હુથી બળવાખોરોએ રાજધાની સના અને ઉત્તરી યમનના મોટા ભાગો પર કબજો જમાવી લીધો હતો. ત્યારબાદ માર્ચ ૨૦૧૫માં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત યમન સરકારના સમર્થનમાં સાઉદી ગઠબંધન સેનાએ હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારથી ઈરાન સમર્થિત હુથીઓ અને સાઉદી સમર્થિત સેના વચ્ચે લોહિયાળ જંગ ચાલુ છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
