તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ચંદીગઢમાં હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ: ૮ કરોડની છેતરપિંડીનો બદલો લેવા ગૃહિણી બની 'લેડી ડોન', ગેંગસ્ટરોને સોપારી આપી પ્રોપર્ટી ડીલરની કરાવી હત્યા!
એક જ જીમમાં જતા અને સાથે ઉઠતા-બેસતા હોવા છતાં ખેલાયો લોહિયાળ ખેલ: પંજાબ પોલીસના ADGP ની સંબંધી મહિલાની ધરપકડથી ખળભળાટ, કાળા નાણાંના વ્યવહારે લીધો જીવ

ચંદીગઢ: તા.૦૬ ચંદીગઢના પોશ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ૫૦ વર્ષીય ગૃહિણી અમરીન રાયની ધરપકડ કરી છે. આરોપ છે કે આ મહિલાએ ૮ કરોડ રૂપિયાની છેતરપિંડીનો બદલો લેવા માટે જાણીતા પ્રોપર્ટી ડીલર ચમનપ્રીત સિંહ ઉર્ફે 'ચીની' ની ધોળા દિવસે હત્યા કરાવી હતી. આ કેસની તપાસમાં બહાર આવેલી વિગતોએ પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે, કારણ કે આરોપી મહિલા ખૂબ જ વગદાર પરિવારમાંથી આવે છે.
શું હતી સમગ્ર ઘટના?
ગયા માર્ચ મહિનાની ૧૮ તારીખે સેક્ટર-૯ માં આવેલા એક જીમની બહાર ચમનપ્રીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમરીન રાય અને ચમનપ્રીત એકબીજાના પરિચિત હતા. તેઓ એક જ જીમમાં વર્કઆઉટ કરતા હતા અને તેમનું સામાજિક વર્તુળ પણ સમાન હતું. અમરીન રાયે એક પ્રોપર્ટી સોદામાં ૮ કરોડ રૂપિયા રોક્યા હતા, પરંતુ ચમનપ્રીતે આ રકમ પરત કરવામાં કે સોદો પૂરો કરવામાં ગલ્લાતલ્લા કરતા અમરીન ઉશ્કેરાઈ ગઈ હતી.
હાઈપ્રોફાઈલ બેકગ્રાઉન્ડ અને ગેંગસ્ટર કનેક્શન
ધરપકડ કરાયેલ અમરીન રાયના પતિ પંજાબમાં મોટા ખેડૂત અને આડતિયા છે, જ્યારે તેના જેઠ પંજાબ પોલીસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) જેવા ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. પોતે કોઈ વ્યવસાયિક પ્રોપર્ટી ડીલર ન હોવા છતાં, અમરીન ટ્રાયસિટી (ચંદીગઢ, મોહાલી, પંચકુલા) માં મોટા પાયે જમીન લે-વેચનું કામ કરતી હતી. પોલીસે જણાવ્યું કે, પ્રોપર્ટી ડીલિંગમાં મોટા ભાગે કાળા નાણાંનો વ્યવહાર હોવાથી અમરીન કાયદાકીય મદદ લઈ શકે તેમ નહોતી, તેથી તેણે ગેંગસ્ટરોનો સહારો લઈને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
પોલીસના જણાવ્યા અનુસાર, અમરીન રાયે પ્રોફેશનલ શૂટર્સને સોપારી આપીને આ હત્યા કરાવી હતી. જીમની બહાર જ્યારે ચમનપ્રીત બહાર નીકળ્યો ત્યારે જ તેને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ કેસે ચંદીગઢના રિયલ એસ્ટેટ માર્કેટમાં ચાલતા કાળા નાણાંના કાળા ખેલ અને ઉચ્ચ ભ્રૂણ વર્ગમાં વધતી જતી ગુનાહિત માનસિકતાને ખુલ્લી પાડી દીધી છે. હાલ પોલીસ આ કેસમાં સામેલ અન્ય શૂટરો અને ગેંગસ્ટરો સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
