<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ : વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા સાથે જનહિતના નિર્ણયોની વણઝાર

ખેડૂતોને આર્થિક સદ્ધર કરવા દરેકને ઓછામાં ઓછા બે પશુધન પૂરા પાડવા સૂચન : દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ક્લસ્ટર શાળાઓ બનાવવા અને ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તાત્કાલિક પીએમજેએવાય (PMJAY) કાર્ડ આપવા અમિતભાઈ શાહનો કડક આદેશ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર:ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ ‘દિશા’ (DISHA) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ અને જિલ્લાના વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી દ્વારા ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ આદેશો અને સૂચનો આપવામાં આવ્યા હતા.

 

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દિશા સમિતિઓની રચના કરવામાં આવી છે. વિકાસ કાર્યક્રમોની પ્રગતિ પર મોનીટરીંગ, તેનો કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં દિશા સમિતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

ખેડૂતો માટે પશુધન અને વરસાદ ખેંચાતા કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા સૂચના:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાના ખાતેદાર ખેડૂતોને આર્થિક રીતે વધુ સધ્ધર બનાવવા અને 'એક પણ ખેડૂત પશુધન વગરનો ન રહે' તે જરૂરી છે. આ માટે તેમણે ત્વરિત સર્વે કરીને દરેક ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા બે પશુધન પૂરૂ પાડવા માટે સૂચન કર્યું હતું. આ સાથે જ, વર્તમાન સમયમાં વરસાદ ખેંચાવાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા અને બિન પિયત વિસ્તારનો સર્વે હાથ ધરી સંપૂર્ણ વિગતો તૈયાર કરવા પણ અધિકારીઓને તાકીદ કરી હતી.

 

દીકરીઓ માટે ક્લસ્ટર શાળા અને લાયબ્રેરીઓનું જોડાણ:

શિક્ષણ ક્ષેત્રે વાત કરતા અમિતભાઈ શાહે સેકન્ડરી વિભાગમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ત્રણ-ચાર ગામનું એક કલસ્ટર બનાવીને નવી શાળાનું નિર્માણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિદ્યાર્થીઓમાં વાંચનનું પ્રમાણ વધે તે હેતુથી નવનિર્મિત લાયબ્રેરીઓ વિશે વ્યાપક જાગૃતિ લાવવા અને આ નવીન લાયબ્રેરીઓને જિલ્લાકક્ષાની મુખ્ય લાયબ્રેરી સાથે કનેક્ટ કરવા માટે જણાવ્યું હતું.

 

વરિષ્ઠ નાગરિકોને યુદ્ધના ધોરણે આયુષ્માન કાર્ડ આપવા આદેશ:

આરોગ્ય સુવિધાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ભાગરૂપે અમિતભાઈ શાહે જિલ્લાના ૭૦ વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત (PMJAY) યોજના હેઠળના કાર્ડ વિના વિલંબ સત્વરે મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ઘરેલુ ગેસ જોડાણ, શૌચાલય, પીવાના તથા સિંચાઈના પાણીની સુવિધા, તેમજ વીજળીની સુવિધા વગરના જે ગામો હોય એનો તાત્કાલિક સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સંદર્ભે 'ગામ' શબ્દની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવા અને ઓછામાં ઓછા ૩૫ થી વધુ ઘર હોય અને વીજ જોડાણ ધરાવતા હોય તેવા પરા કે વિસ્તારોને ધોરણોમાં નિયત કરવા પણ તેમણે ઉમેર્યું હતું.

 

બેઠકમાં વરિષ્ઠ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ:

આ ઉચ્ચ સ્તરીય "દિશા" બેઠકમાં સાંસદ હસમુખભાઈ પટેલ અને હરિભાઈ પટેલ, ધારાસભ્યો રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, જયંતીભાઈ પટેલ તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખો, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસ્મીન સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

(6:04 PM IST)