તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
કેજરીવાલને હાઈકોર્ટનો 'પાવરફુલ' ઝટકો: જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું - "હું સુનાવણીથી અલગ નહીં થાઉં!": હવે 'દારૂ કૌભાંડ'ની સુનાવણી તે જ કરશે!
ન્યાયાધીશની ગરિમા પર સવાલ ઉઠાવવો એ ન્યાયતંત્ર પર હુમલો છે: પક્ષપાતના આરોપોને ફગાવીને જસ્ટિસ શર્માએ કેજરીવાલની અરજી ફગાવી

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે દિલ્હી હાઈકોર્ટના કોર્ટરૂમમાંથી આજે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દારૂ નીતિ કેસમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કેજરીવાલની તે અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી છે, જેમાં તેમણે જસ્ટિસ શર્માને આ કેસમાંથી અલગ થવાની (Recusal) માંગ કરી હતી. કેજરીવાલે જસ્ટિસ શર્માની નિષ્પક્ષતા અને તેમના વૈચારિક ઝુકાવ પર સવાલ ઉઠાવતા પક્ષપાતની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, જસ્ટિસ શર્માએ સ્પષ્ટ કર્યું કે ન્યાયાધીશ કોઈ પક્ષની સુવિધા મુજબ કામ નથી કરતા, પરંતુ માત્ર બંધારણ અને કાયદાને જ જવાબદાર હોય છે.
કોર્ટરૂમમાં ચુકાદો વાંચતી વખતે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા ભાવુક પરંતુ અત્યંત મક્કમ દેખાતા હતા. તેમણે કહ્યું કે, "ન્યાયાધીશની પ્રામાણિકતા અને નિષ્પક્ષતા જ તેની સૌથી મોટી મૂડી છે, અને તેના પર સવાલ ઉઠાવવો એ ન્યાયતંત્રની સ્વતંત્રતાને ડરાવવાનો પ્રયાસ છે." કેજરીવાલની મુખ્ય દલીલ એ હતી કે જસ્ટિસ શર્માએ સંઘ-સંલગ્ન સંગઠનોના કાર્યક્રમોમાં હાજરી આપી છે અને તેમનો પક્ષ સાંભળ્યા વગર જ નીચલી કોર્ટના આદેશને ભૂલભરેલો ગણાવ્યો હતો. આ દલીલોને નકારી કાઢતા જસ્ટિસ શર્માએ યાદ અપાવ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં વ્યક્તિગત પસંદ-નાપસંદનું કોઈ સ્થાન નથી અને તેઓ આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી ચાલુ રાખશે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે CBIએ નીચલી કોર્ટ દ્વારા કેજરીવાલ સહિત 22 લોકોને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પહેલી જ સુનાવણીમાં જસ્ટિસ શર્માના આકરા વલણથી કેજરીવાલ છાવણીમાં ફફડાટ ફેલાયો હતો. કેજરીવાલે પોતે કોર્ટમાં હાજર રહીને 'રણજીત ઠાકુર' કેસનો હવાલો આપીને ન્યાયાધીશને બદલવાની માંગ કરી હતી, જે હવે નિષ્ફળ સાબિત થઈ છે. હવે જ્યારે જસ્ટિસ શર્મા જ આ કેસની સુનાવણી કરવાના છે, ત્યારે દિલ્હીના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ મોટી ન્યાયિક લડાઈ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
