તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
ઉંમરના પુરાવા અંગે હાઈકોર્ટનો મોટો ફેંસલો, આધાર કાર્ડ નહીં પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે વધુ વિશ્વસનીય
મધ્યપ્રદેશ હાઈકોર્ટે મોટર અકસ્માત કેસમાં વળતર વધારતી વખતે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તબીબી મૂલ્યાંકનને ગણાવ્યું આધારભૂત

જબલપુર : મધ્યપ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી અવલોકન કરતા સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડને કોઈ પણ વ્યક્તિની ઉંમરના 'નિર્ણાયક પુરાવા' તરીકે ગણી શકાય નહીં. અદાલતે માર્ગ અકસ્માતના એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ઉંમર ચોક્કસપણે નક્કી કરવા માટે આધાર કાર્ડ કરતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ વધુ વિશ્વસનીય અને આધારભૂત માધ્યમ છે. આ ચુકાદાથી કાનૂની અને વીમા ક્ષેત્રે ઉંમરના પુરાવાને ચકાસવાની પદ્ધતિ અંગે એક નવો દ્રષ્ટિકોણ સામે આવ્યો છે.
ડિસેમ્બર ૨૦૧૯માં બનેલા એક માર્ગ અકસ્માતમાં ૧૩ વર્ષીય છોકરાના મૃત્યુ બાદ તેના માતા-પિતાને મળવાપાત્ર વળતરમાં વધારો કરતી વખતે જસ્ટિસ અમિત સેથે આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. અગાઉ 'મોટર એક્સિડન્ટ્સ ક્લેમ્સ ટ્રિબ્યુનલ' દ્વારા છોકરાની ઉંમર ૧૪ વર્ષ નક્કી કરવા માટે તેના આધાર કાર્ડને આધાર બનાવવામાં આવ્યો હતો, જ્યારે વીમા કંપનીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દર્શાવેલી ૧૩ વર્ષની ઉંમરને માન્ય રાખવાની દલીલ કરી હતી. હાઈકોર્ટે વીમા કંપનીની આ તલીલને વ્યાજબી ગણાવી હતી.
કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડ મુખ્યત્વે એક ઓળખ દસ્તાવેજ છે અને તેમાં રહેલી જન્મતારીખ કે ઉંમરને આખરી પ્રમાણપત્ર માની શકાતી નથી. તેની સામે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નોંધવામાં આવતી ઉંમર નિષ્ણાત ડૉક્ટરો દ્વારા શબપરીક્ષણ સમયે કરવામાં આવેલા તબીબી મૂલ્યાંકન અને વૈજ્ઞાનિક તપાસ પર આધારિત હોય છે, જેથી તે કાનૂની દ્રષ્ટિએ વધુ પ્રમાણભૂત સાબિત થાય છે.
આ ચુકાદાના પગલે હવે ભવિષ્યમાં અકસ્માત અને વીમા દાવાઓના કેસોમાં વય મર્યાદા નક્કી કરતી વખતે તબીબી દસ્તાવેજો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી પૂરી સંભાવના છે. અદાલતના આ માર્ગદર્શક નિર્ણયથી પીડિત પરિવારોને યોગ્ય વળતર અપાવવામાં ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક અને તથ્યાત્મક બનશે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
