News of Wednesday, 15th July 2026
મેન્યુઅલ સ્કેવેન્જિંગની કલંકિત પ્રથા પર હાઈકોર્ટનો લાલ આંખ: ખાનગી કામમાં થયેલા મોત બદલ પણ સરકાર ચૂકવશે ૩૦-૩૦ લાખનું વળતર
ઔરંગાબાદ બેન્ચની મહત્વની ટિપ્પણી: ‘સભ્ય સમાજ પર આ એક મોટો ડાઘ છે, સરકારે વળતર ચૂકવીને બાદમાં ખાનગી મકાનમાલિક પાસેથી વસૂલાત કરવી જોઈએ’

ઔરંગાબાદ: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથેથી મેલું ઉપાડવું) જેવી અમાનવીય પ્રથાને લઈને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન મૃત્યુ થાય છે, તો તે વ્યક્તિ ભલે ખાનગી માલિક દ્વારા કામે રાખવામાં આવી હોય, પરંતુ રાજ્ય સરકારે તેના પરિવારને ૩૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું જ પડશે.
આ કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૨૧માં નાંદેડ જિલ્લામાં બે વ્યક્તિઓનું ખાનગી મિલકતમાં સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ગૂંગળામણ અને ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ અંગેના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિતિન બી. સૂર્યવંશી અને જસ્ટિસ વૈશાલી પાટીલ-જાદવની ખંડપીઠે જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં પણ આ પ્રકારની પ્રથાનું અસ્તિત્વ હોવું એ એક સભ્ય સમાજ માટે ગંભીર કલંક સમાન છે. કોર્ટે આ ઘટનાને માનવીય ગરિમા અને સમાનતાના બંધારણીય અધિકારોનો ભંગ ગણાવી હતી.
સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, મૃતકો ખાનગી મિલકતમાં કામ કરી રહ્યા હતા, તેથી વળતરની જવાબદારી ખાનગી મકાનમાલિકની છે. જોકે, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો હવાલો આપતા આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, કામના સ્થળના આધારે સરકાર જવાબદારીમાંથી છટકી શકે નહીં. વળતર રાજ્ય સરકારે જ ચૂકવવું પડશે, અને જો સરકાર ઈચ્છે તો તે રકમ સંબંધિત ખાનગી મકાનમાલિક પાસેથી કાયદેસર રીતે વસૂલ કરી શકે છે.
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, નાંદેડ જિલ્લા કલેક્ટર પાસેથી પ્રસ્તાવ મળ્યાના આઠ અઠવાડિયાની અંદર રાજ્યના સામાજિક ન્યાય વિભાગે આ વળતરની રકમ મૃતકોના પરિવારજનોને ચૂકવી દેવી. જો સમયસર વળતર નહીં ચૂકવાય, તો તેના પર વાર્ષિક ૬ ટકા લેખે વ્યાજ પણ આપવું પડશે. આ સાથે જ કોર્ટે સંબંધિત પરિવારોને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો પણ આદેશ આપ્યો છે.
આ ચુકાદા સાથે હાઈકોર્ટે કડક શબ્દોમાં નોંધ્યું છે કે, સેપ્ટિક ટેન્ક કે સીવર લાઇનની સફાઈ જેવી જોખમી કામગીરી માટે કોઈ પણ વ્યક્તિએ અંદર ઉતરવું જોઈએ નહીં. આ ઘટનાઓ સાબિત કરે છે કે બંધારણીય મૂલ્યો અને ગરિમા જાળવવામાં આપણે હજુ પણ ક્યાંક નિષ્ફળ રહ્યા છીએ.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
