<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

દિલ્હી લિકર પોલિસી કેસમાં હાઈકોર્ટ આકરા પાણીએ: જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પાયાવિહોણા આક્ષેપો કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી

ન્યાયતંત્ર પર અવિશ્વાસના બીજ વાવવાની પરવાનગી ન આપી શકાય: કેજરીવાલ અને સાથીઓની બહિષ્કારની માંગને ફગાવી જસ્ટિસ શર્માએ સંભળાવ્યો સ્પષ્ટ આદેશ

નવી દિલ્હી, તા. ૧૪: દિલ્હીની વિવાદાસ્પદ આબકારી નીતિ (લિકર પોલિસી) મામલે હવે ન્યાયતંત્ર અને રાજકારણીઓ સામસામે આવી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ આ કેસમાં સોશિયલ મીડિયા પર ન્યાયાધીશો વિરુદ્ધ કરવામાં આવતા અપમાનજનક આરોપો અને ટિપ્પણીઓ અંગે લાલ આંખ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડનારા તત્વો સામે અદાલતના તિરસ્કાર (Contempt of Court) નો કેસ ચલાવવામાં આવશે.
 
રાજકારણીઓ અને ન્યાયતંત્ર વચ્ચે ટકરાવ
આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓએ જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા આ કેસની સુનાવણી ન કરે તેવી માંગ કરી અને કાર્યવાહીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. જોકે, ૨૦ એપ્રિલના રોજ જસ્ટિસ શર્માએ આ અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી. તેમણે ટકોર કરી હતી કે, "કોઈપણ રાજકારણીને ન્યાયતંત્રમાં અવિશ્વાસ પેદા કરવાની મંજૂરી આપી શકાય નહીં. આવી બહિષ્કારની માંગણીઓ ન્યાયતંત્રને જ ટ્રાયલ પર મૂકવા સમાન છે."
 
શું છે સમગ્ર આબકારી નીતિનો વિવાદ?
આ કેસ ૨૦૨૨માં શરૂ થયો હતો, જ્યારે સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૨૧-૨૨ની દિલ્હી આબકારી નીતિમાં દારૂના વેપારમાં કાર્ટેલાઇઝેશન (ગઠબંધન) કરવા માટે જાણીજોઈને છટકબારીઓ રાખવામાં આવી હતી. તપાસ એજન્સી મુજબ, આ નીતિમાં ફેરફાર કરવાના બદલામાં 'આપ' અને તેના નેતાઓને દારૂના વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની લાંચ મળી હતી. ત્યારબાદ ઇડીએ પણ મની લોન્ડરિંગના ગુના હેઠળ તપાસ શરૂ કરી, જેમાં અનેક દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવી.
 
ટ્રાયલ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો
૨૭ ફેબ્રુઆરીના રોજ ટ્રાયલ કોર્ટે કેજરીવાલ અને અન્ય ૨૨ આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા. સીબીઆઈએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી હાલ જસ્ટિસ શર્મા કરી રહ્યા છે. જસ્ટિસ શર્માએ પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રાયલ કોર્ટના કેટલાક અવલોકનોને ભૂલભરેલા ગણાવ્યા છે અને સીબીઆઈ અધિકારી સામેની ખાતાકીય તપાસ પર પણ સ્ટે આપ્યો છે.
હાલમાં કેજરીવાલ, સિસોદિયા, વિજય નાયર અને અન્ય આરોપીઓ જસ્ટિસ શર્માની અદાલતમાં સુનાવણીનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે ન્યાયની પ્રક્રિયા કોઈના દબાણ હેઠળ રોકાશે નહીં અને કાયદો પોતાનું કામ કરશે.

(5:17 PM IST)