તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
ગેરકાયદેસર અટકાયત કેસમાં હાઈકોર્ટનો પોલીસને સખત આંચકો: યુવકને ૨ લાખનું વળતર ચૂકવવા મહારાષ્ટ્ર સરકારને આદેશ!
અકોલા પોલીસે મૂળભૂત અધિકારોનું કર્યું ઉલ્લંઘન: બોમ્બે હાઈકોર્ટે પોલીસના સૂત્ર ની યાદ અપાવી કાયદાનો પાઠ ભણાવ્યો

નાગપુર : પોલીસ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી નાગરિકોના મૂળભૂત અધિકારો પર ત્રાપ મારવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ૨૬ વર્ષીય યુવક વૈભવ સૂર્યવંશીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા બદલ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને રૂ. ૨ લાખનું વળતર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે. કોર્ટે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, જ્યારે કાયદાનું રક્ષણ કરવા માટે જવાબદાર પોલીસ પોતે જ કાયદો હાથમાં લે અને તેનું ઉલ્લંઘન કરે, ત્યારે ફોજદારી ન્યાય વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ડગમગી જાય છે.
અરજીમાં જણાવેલી વિગતો અનુસાર, માર્ચ ૨૦૨૪માં અરજદાર વૈભવ સૂર્યવંશી તેના પિતા અને કાકાની માલિકીની હોટેલ પર હાજર હતો. તે સમયે અકોલાના બે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે વૈભવના કાકા વિશે પૂછપરછ કરી હોટેલ ચલાવવા માટે 'માસિક હપ્તા' (ચૂકવણી) ની માંગણી કરી હતી. જ્યારે વૈભવે હપ્તો આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, ત્યારે આ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વૈભવ સાથે ગાળાગાળી તથા મૌખિક દુર્વ્યવહાર કરીને તેને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લઈ ગયા હતા.
પોલીસે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો હોવાનું બહાનું બતાવી તેને કસ્ટડીમાં રાખ્યો હતો અને બીજા દિવસે મુક્ત કર્યો હતો. જોકે, ધરપકડ વખતે કાયદા મુજબ આપવો પડતો કોઈ સમન્સ કે મેમો પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યો નહોતો.
આ ગેરકાયદેસર કાર્યવાહી સામે વૈભવ સૂર્યવંશીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના ન્યાયાધીશ ઉર્મિલા જોશી-ફાળકે અને રાજ વાકોડેની ખંડપીઠે ૩૧ ઓગસ્ટના રોજ ચુકાદો આપતા અકોલા પોલીસની ઝાટકણી કાઢી હતી.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
