તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
દિલ્હીમાં CJPની ત્રિરંગા યાત્રા પૂર્વે હાઈએલર્ટ
કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું: ૨૭ હજાર જવાનો તૈનાત અને સેન્ટ્રલ પાર્ક સીલ અનેક માર્ગો ડાયવર્ટઃ ભારે ટ્રાફિક જામની ભીતિઃકલમ ૧૬૩ લાગુઃ સેન્ટ્રલ પાર્ક સીલ અને ડ્રોનથી સતત નજર

નવી દિલ્હીઃ સીજેપી દ્વારા ફરી એકવાર દિલ્હીમાં રસ્તા પર ઉતરવાનું એલાન કર્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અભિજીત દીપકેએ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડના વિરોધમાં આજે સાંજે પાંચ વાગે તિરંગા કૂચનું એલાન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ પ્રદર્શનને આમ આદમી પાર્ટી અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનો AISA અને SFI તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. આ સ્થિતિને જાતે દિલ્હીમાં કનોટ પ્લેસ આસપાસના સુરક્ષા વધારી દેવામાં આવી અને કલમ ૧૬૩ પણ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં આજે ભારે રાજકીય ગરમાવો અને તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કનોટ પ્લેસના ઐતિહાસિક સેન્ટ્રલ પાર્કમાં સાંજે ૫ વાગ્યે કાઢવામાં આવનારી વિશાળ ‘તિરંગા યાત્રા'ને પગલે દિલ્હી પોલીસે સમગ્ર લુટિયન્સ ઝોનને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધું છે. CJPના પ્રમુખ નેતાઓની ધરપકડના વિરોધમાં આહવાન કરાયેલી આ યાત્રામાં આમ આદમી પાર્ટી અને અન્ય સંગઠનોનું સમર્થન મળતા વહીવટી તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. તહેવારોની મોસમમાં કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે ગળહ મંત્રાલયની સૂચનાથી અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના આશરે ૨૭,૦૦૦ કર્મચારીઓ રસ્તા પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.
તહેવારોની મોસમમાં જ આ પ્રકારના મોટા વિરોધ પ્રદર્શનોને કારણે કનોટ પ્લેસના વેપાર મંડળોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. બજાર સંગઠનોએ પોલીસને આવેદનપત્ર આપીને દુકાનો અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં થયેલી અરજી દરમિયાન પોલીસે કોર્ટને ખાતરી આપી છે કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા વેપારીઓની સુરક્ષા માટે તમામ શકય પગલાં લેવામાં આવશે. પોલીસ તરફથી જણાવાયું છે કે સામાન્ય લોકોને હાલાકી ન થાય તે માટે ગેરકાયદેસર રીતે એકઠા થનારાઓ સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જોકે સાંકેતિક રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે મર્યાદિત છૂટ આપી શકાય છે.
CJPની આ ‘તિરંગા યાત્રા' અને વિરોધ પ્રદર્શનને કારણે આજે મધ્ય દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાઈ જવાની પૂર્ણ શકયતા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે વિશેષ એડવાઈઝરી જારી કરીને લોકોને બસંત લેન, પંચકુઇયાં રોડ, મિન્ટો રોડ, ચેમ્સફોર્ડ રોડ, જનપથ, મંડી હાઉસ, પટેલ ચોક અને સી-હેક્સાગોન જેવા વિસ્તારોનો ઉપયોગ ટાળવા સલાહ આપી છે. પોલીસે નાગરિકોને આ સુનિશ્ચિત માર્ગો પરથી પસાર થતી વખતે વધારાનો સમય હાથમાં રાખવા અથવા મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરી છે.
દિલ્હી પોલીસ દ્વારા સીજેપીને આ તિરંગા કૂચ માટે મંજૂરી આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે સીજેપીના ૧૧ લોકોને તિરંગા કૂચ નીકાળવા માટે કહ્યું પરંતુ અભિજીત દીપકેએ પોલીસના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. જેથી આજથી એનડીએસસી દ્વારા સેન્ટ્રલ પાક્રને બે દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ CP (કનોટ પ્લેસ) તરફ જતા તમામ માર્ગો પર ટ્રાફિકને અન્યત્ર વાળવામાં આવ્યો છે. પોલીસે કનોટ પ્લેસને સખત સુરક્ષા વ્યવસ્થા ધરાવતા વિસ્તારમાં ફેરવી દીધું છે.
સીજેપીને દિલ્હી પોલીસ દ્વારા આ કૂચ માટે મંજૂરી આપવામાં નથી આવી પરંતુ મુંબઈ પોલીસે સવારે ૧૧:૦૦થી સાંજે ૦૫:૦૦ વાગ્યાની વચ્ચે કૂચયોજવાની મંજૂરી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કૂચ માટે પરવાનગી આપવામાં આવી છે કારણ કે આઝાદ મેદાન એ વિરોધ પ્રદર્શનો માટે નિર્ધારિત સ્થળ છે. મુંબઈ પોલીસની મંજૂરી મળ્યા બાદ, દિલ્હીમાં અભિજીત દિપકે આ કૂચનું નેતળત્વ કરશે, જ્યારે મુંબઈમાં CJPના કાર્યકરો અને વિરોધ પક્ષોના નેતાઓ તેમાં ભાગ લેશે.
CJPના સ્થાપક અભિજીત દીપકેએ દિલ્હી પોલીસ સામે એક નવો આરોપ લગાવ્યો છે. અભિજીત દીપકેનો દાવો છે કે તે જ્યાં પણ જાય છે, ત્યાં દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના કર્મચારીઓ તેમનો પીછો કરે છે. આ પહેલાં પણ, અભિજીત દીપકેએ દિલ્હી પોલીસ અને સરકાર સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. પરંતુ હવે આ એક નવો આરોપ લગાવવામાં આવ્યો છે
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
