તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
બિહારમાં NEET પુનઃપરીક્ષામાં હાઈટેક 'સોલ્વર ગેંગ'નો પર્દાફાશ: બાયોમેટ્રિક સિસ્ટમ હેક કરી અસલીની જગ્યાએ બેઠા નકલી ઉમેદવારો, ૩૦ની ધરપકડ!
મેડિકલ કોલેજના ભવિષ્યના ડૉક્ટરો જ નીકળ્યા મહાઠગ: ૧૦ થી ૧૨ લાખ રૂપિયામાં થયો હતો સોદો, પાવાપુરી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી રવિ શંકર માસ્ટરમાઇન્ડ હોવાનો ખુલાસો

લખીસરાય: દેશની સૌથી પ્રતિષ્ઠિત તબીબી પ્રવેશ પરીક્ષા 'NEET-UG' ની પુનઃપરીક્ષા દરમિયાન બિહારના લખીસરાય જિલ્લામાંથી એક ચોંકાવનારો અને શિક્ષણ જગતને હચમચાવી દેનારો કૌભાંડ સામે આવ્યો છે. અહીં પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાને ભેદીને અસલી વિદ્યાર્થીઓના સ્થાને નકલી ઉમેદવારો (સોલ્વર્સ) બેસાડતી એક હાઈટેક 'સોલ્વર ગેંગ'નો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગંભીર મામલાની તપાસમાં એવો સળગતો ખુલાસો થયો છે કે, આ શાતિર ગેંગે પરીક્ષા કેન્દ્રોની અત્યંત સુરક્ષિત ગણાતી બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમને પણ હેક કરી લીધી હતી. આ કાળા કારોબારમાં પોલીસે અત્યાર સુધીમાં ૯ મેડિકલ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસ અને તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ આખું નેટવર્ક મેડિકલના તેજસ્વી વિદ્યાર્થીઓ, બાયોમેટ્રિક એજન્સીના ભ્રષ્ટ સ્ટાફ અને દલાલોની મિલીભગતથી ચાલતું હતું. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) પાવાપુરી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી રવિ શંકર હોવાનું બહાર આવ્યું છે. રવિ શંકરે જ જુદી જુદી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા હોશિયાર વિદ્યાર્થીઓની લાલચ આપીને 'સોલ્વર' તરીકે ભરતી કરી હતી. આ ગેંગ એવા અમીર ઉમેદવારોને શોધતી હતી જેઓ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર હોય.
આ કેસમાં સૌથી મોટો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પટણા મેડિકલ કોલેજના ચોથા વર્ષના વિદ્યાર્થી મયંક કશ્યપની સંડોવણી સામે આવી. હાજીપુરનો વતની મયંક આ પરીક્ષામાં બાયોમેટ્રિક સ્ટાફ મેમ્બર તરીકે ઘુસ્યો હતો. મયંકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બાયોમેટ્રિક ચકાસણી પ્રક્રિયાને પ્રભાવિત કરી હતી, જેના કારણે ગેંગના નકલી ઉમેદવારો કોઈપણ શંકા વિના સરળતાથી પરીક્ષા ખંડમાં પ્રવેશી શક્યા હતા અને અસલી વિદ્યાર્થીઓ વતી પેપર લખી રહ્યા હતા. આ હાઈટેક છેતરપિંડીની ભનક લાગતા જ પોલીસે દરોડો પાડીને સમગ્ર નેટવર્કને ઝડપી લીધું હતું.
લખીસરાયના એસડીપીઓ (SDPO) શિવમ કુમારે જણાવ્યું હતું કે, "આ સોલ્વર ગેંગ પ્રતિ ઉમેદવાર ૧૦ થી ૧૨ લાખ રૂપિયામાં આખો સોદો નક્કી કરતી હતી. જેમાં ૧ થી ૨ લાખ રૂપિયા એડવાન્સ પેટે લેવામાં આવતા હતા, જ્યારે બાકીની મસમોટી રકમ પરીક્ષા પાસ થયા બાદ અને મેડિકલ કોલેજમાં એડમિશન કન્ફર્મ થયા પછી વસૂલવાની યોજના હતી." કેન્દ્રીય વિદ્યાલય લખીસરાયના કાર્યકારી આચાર્ય અને સિટી કો-ઓર્ડિનેટર દિનેશ કુમાર ભગતની ફરિયાદના આધારે પોલીસે સત્તાવાર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓના બેંક ખાતા, મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR) અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની કડકાઈથી તપાસ કરી રહી છે, જેથી આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
