<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

હાય રે ગરીબીઃ ખાવાના ફાંફાઃ દંપતીએ પોતાની દીકરી ૧૫૦૦૦માં વેચી

ઓડિશાના ભદ્રક જિલ્‍લાના ડોમાડી ગામમાં ગરીબીનું વરવું રૂપ જોવા મળ્‍યું

ભદ્રક  તા.૧૨: ઓડિશાના ભદ્રક જિલ્‍લાના ડોમાડી ગામમાં ગરીબીનું વરવું રૂપ જોવા મળ્‍યું છે. જ્‍યાં એક આદિવાસી દંપતિએ પોતાની સાડા ચાર વર્ષની દીકરીને ૧૫ હજાર રૂપિયામાં બાલાસોરના એક શખ્‍સને વેચી દીધી. દંપતિએ પહેલા ૫ હજાર રૂપિયા એડવાન્‍સમાં લીધા, પછી રવિવારે ૯ મેના રોજ સવારે ૧૦ હજાર લઈ બાળકી ખરીદનારને સોંપી દીધી. બાળકીની માનું કહેવું છે કે ખરીદી કરનારાએ તેમને વચન આપ્‍યું છે કે મોટી થશે ત્‍યારે પરત કરી દેશે. આ ઘટના હચમચાવી નાખતું એક પાસું એ પણ છે કે દીકરીને વેચીને દંપતિએ બાળકો માટે ખાવાનું અને જૂતા ખરીદ્યા હતા. દીકરી વેચવાના સમાચાર ફેલાતા ગુસ્‍સે ભરાયેલા ગ્રામીણોએ દંપતી સાથે મારપીટ કરી અને ઘટનાની જાણ પોલીસને કરી દીધી. પોલીસ અને CWC આરોપી ખરીદનારને શોધી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, આ હચમચાવી નાખતી ઘટના જિલ્‍લાના ધામનગર વિસ્‍તારના ડોમાડી બસ્‍તીના ગુમુગડ છક નજીકની છે. રવિવારે ૭ મેના રોજ દંપતીએ બાળકીને સોંપી દીધી હતી. સોમવારે ગ્રામીણોને તેની જાણકારી થઈ તો હોબાળો મચી ગયો. આદિવાસી દંપતી મજૂરી કામ કરે છે અને ૯ મહિનાથી ડોમાડીમાં રહે છે. તેમને ત્રણ બાળકો છે. આવક ઓછી થતાં ખાવાના પણ ફાંફા હતા.

દીકરી વેચવાના આરોપી પિતાએ જણાવ્‍યું કે તે કામ પર ગયો હતો. પાછળથી પત્‍નીએ બાલાસોરના એક શખ્‍સ સાથે દીકરીની ડીલ કરી નાખી. તેણે કબૂલ કર્યું કે દીકરીને ૧૫ હજારમાં વેચી હતી. ખરીદનારે ૫ હજાર એડવાન્‍સમાં આપ્‍યા હતા. રવિવાર સવારે બાકીના ૧૦ હજાર આપીને દીકરીને લઈ ગયા. દીકરીની માએ કહ્યું કે ખરીદનારે વાયદો કર્યો હતો કે તે મોટી થવા પર બાળકીને પરત આપી દેશે. દંપતિએ કહ્યું કે દીકરી વેચીને મળેલા રૂપિયાથી બાળકો માટે ખાવાનું અને જૂતા ખરીદી લાવ્‍યા. બાકીના રૂપિયા પાડોશીને ત્‍યાં મૂકી દીધા છે.

બાળકી વેચવાની વાત ફેલાતા આ વિસ્‍તારમાં તણાવનો માહોલ છે. અસંખ્‍ય ગામલોકો દંપતીના ઘરે એકઠા થઈ ગયા અને તેમની સાથે મારપીટ કરી. સૂચના મળતા પોલીસની ટીમ તરત ઘટનાસ્‍થળે આવી ગઈ. ધામનગર પોલીસ, જિલ્‍લા બાળ સંરક્ષણ યુનિટ અને CWC ભદ્રક મામલાની તપાસ કરી બાળકીને શોધવામાં લાગી ગયા છે.

 

(1:22 PM IST)