<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

હેવાનિયતઃ લગ્નના જમણવારમાં બાળકે બે રસગુલ્‍લા ખાઈ લેતા ડીઝલ છાંટી આગ લગાવી દીધીઃ હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના બસ્‍તી જિલ્‍લાના છાવણી વિસ્‍તારના ગોસાઈ ગામમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી

બસ્‍તી,તા.૧૭: ઉત્તર પ્રદેશના બસ્‍તી જિલ્‍લાના છાવણી વિસ્‍તારના ગોસાઈ ગામમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. લગ્નના જમણવારમાં રસગુલ્‍લા ખાવાથી નારાજ કેટરિગ કોન્‍ટ્રાક્‍ટરે ૧૧ વર્ષના બાળક અમર ઉર્ફ ચમનને ડીઝલ છાંટીને આગ લગાવી દીધી. બાળકના ચહેરાથી લઈ કમર સુધી ખરાબ રીતે દાઝી ગયો. તેની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્‍યા, પણ ત્‍યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્‍યું હતું.

બાળક પોતાની નાની સાથે સંબંધીને ત્‍યાં લગ્નમાં ગયા હતા. આ ઘટના બુધવાર રાતે લગભગ ૮ વાગ્‍યાની આસપાસની છે. જ્‍યારે લગ્નમાં ખાવાની વ્‍યવસ્‍થા ચાલી રહી હતી. ચમન અન્‍ય બાળકો સાથે રમતા રમતા રસોડા તરફ ગયો, ત્‍યાં રાખેલા રસગુલ્‍લા જોઈ બાળકને ખાવાની લાલચ જાગી. તેથી તેણે બે રસગુલ્‍લા ઉઠાવીને ખાઈ લીધા. આ વાતથી નારાજ થયેલા કેટરિગ કોન્‍ટ્રાક્‍ટર બાળકને પકડી તેના પર ડીઝલ છાંટી આગ લગાવી દીધી.

આ ઘટના બાદ તરત આરોપી કેટરિગ કોન્‍ટ્રાક્‍ટર ઘટનાસ્‍થળેથી ભાગી ગયો. થોડી વાર બાદ કેટરિગના અન્‍ય કર્મચારી બાળકના મામા દેવી પ્રસાદ નિષાદ પાસે આવ્‍યા અને કહ્યું કે, તમારું બાળક સળગી રહ્યું છે. તેને હોસ્‍પિટલે લઈ જાવ. મામા દોડતા આવ્‍યા અને ચમન તંદૂર પાસે ગંભીર રીતે સળગેલી હાલતમાં જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો.

પરિવારે બાળકને તરત નજીકની હોસ્‍પિટલમાં લઈ ગયા, જ્‍યાં તેને પહેલા અયોધ્‍યા મેડિકલ કોલેજ અને પછી સારી સારવાર માટે લખનઉ મેડિકલ કોલેજમાં રેફર કર્યો. બાળકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

પીડિત બાળક મૂળ ગોંડા જિલ્‍લાના નવાબગંજ વિસ્‍તારના દુર્જનપુર ગામનો રહેવાસી છે. તેના પિતા સંતોષ વિકલાંગ છે. માતા સીમા દેવી અયોધ્‍યામાં કચરા-પોતા કરે છે. પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો ચમન મોસાળમાં પોતાની નાની પાસે રહે છે અને ધોરણ ૨માં ભણે છે. જ્‍યારે તેનો નાનો ભાઈ અમન મા-પિતા સાથે રહે છે

(10:08 AM IST)