News of Saturday, 3rd October 2026
હીરો પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને બોલિવૂડના દિલધડક સલામ: શાહરૂખથી લઈને સલમાન ખાને કર્યા મુક્તકંઠે વખાણ
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી ઈમરજન્સી વખતે અદમ્ય સાહસ દર્શાવી ૧૭૨ યાત્રીઓના પ્રાણ બચાવનારા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને વડાપ્રધાન મોદી અને બોલિવૂડના દિગ્ગજોએ બિરદાવી.

મુંબઈ : ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં હવાની મધ્યમાં સર્જાયેલા ભયાનક સંકટ અને કો-પાયલટના હુમલા વચ્ચે પણ પોતાના પ્રાણ જોખમમાં મૂકીને ૧૭૨ યાત્રીઓને સુરક્ષિત ઉતારનારા ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની અસાધારણ સુઝબુઝ માટે સમગ્ર દેશ સહિત બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ દ્વારા પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે.
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર કેપ્ટનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "મુશ્કેલીની આ ઘડીમાં પોતાની સુરક્ષાને બાજુ પર મૂકીને મુસાફરો માટે ઢાલ બનવું એ સાચા કેપ્ટનની ઓળખ છે. તમારું સાહસ અને ફરજ પ્રત્યેનું સમર્પણ પ્રેરણાદાયી છે." શાહરૂખે કેપ્ટનને ઝડપથી સ્વસ્થ થવા માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
સુપરસ્ટાર સલમાન ખાને પોતાના આગવા અંદાજમાં કેપ્ટનને સલામ કરતાં લખ્યું કે, "કમાલ કરી દીધું પાયલટ જી! અમે બધા તમને સલામ કરીએ છીએ અને તમારી સાથે ઉડાણ ભરવામાં અમને ગર્વ થશે." આ ઉપરાંત રણવીર સિંહે તેમને 'કેપ્ટન કરેજિયસ' અને વિકી કૌશલે 'બ્રેવહાર્ટ' કહીને તેમના અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.
દિગ્ગજ અભિનેતા સની દેઓલે પણ એક્સ (X) પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, "જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે અસાધારણ સાહસ અને હાજરજવાબી દર્શાવીને મોટી દુર્ઘટના ટાળી છે. તમારી બહાદુરી બદલ દેશ તરફથી સલામ." આ સિવાય સંજય દત્ત, રશ્મિકા મંદાના, અનન્યા પાંડે અને આર. માધવને પણ સોશિયલ મીડિયા પર કેપ્ટનની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છરની ત્વરિત નિર્ણયશક્તિ અને સાહસની સરાહના કરી હતી. કો-પાયલટના અણધાર્યા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં, કેપ્ટને હિંમત હાર્યા વિના કોકપીટનો દરવાજો ખોલીને વિમાનમાં રહેલા સભ્યોને સાવધાન કર્યા હતા.
હાલમાં દુબઈની હોસ્પિટલમાં કેપ્ટન સ્મિત મચ્છરની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. ફિલ્મ જગત અને દેશવાસીઓ એકસૂરે તેમની ઝડપી રિકવરી અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
