<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

જે હર્બલ ટીનો PM મોદીએ મન કી બાતમાં કર્યો ઉલ્‍લેખ તેનું કેટલું ટર્નઓવર રૂા. ૧૧ મહિલાઓએ માત્ર રૂા.૧ લાખથી કરી હતી શરૂઆત

વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમમાં નામ આવ્‍યા બાદ બિજનૌરની વિદુર પ્રેરણા સ્‍વદેશી હર્બલ ટી ચર્ચામાં આવી : ગામની મહિલાઓએ નાના સ્‍તરે તેની શરૂઆત કરી હતીઃ આજે આ વ્‍યવસાય લાખોમાં પહોંચી ગયો છેઃ આ કામ સાથે જોડાયેલી મહિલાઓ દર મહિને સારી આવક પણ મેળવી રહી છે

બિજનૌર તા.૨૭: ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્‍લાના નાના ગામ લખ્‍ખીવાલાની મહિલાઓની મહેનત હવે સમગ્ર દેશમાં ઓળખ મેળવી રહી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં વિદુર પ્રેરણા સ્‍વદેશી હર્બલ ટીનો ઉલ્‍લેખ કર્યો હતો. ત્‍યારબાદ ગામની મહિલાઓની ખુશીનો પાર નથી. જે ચા ક્‍યારેક થોડી મહિલાઓ મળીને નાના સ્‍તરે બનાવતી હતી, આજે તેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. સંબંધીઓથી લઈને નવા ગ્રાહકો સુધી સતત ફોન આવી રહ્યા છે.

લગભગ એક વર્ષ પહેલાં ગામમાં રહેતી બબીતા રાણીએ કેટલીક મહિલાઓ સાથે મળીને હર્બલ ટી બનાવવાનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં લગભગ રૂા.૧ લાખનું રોકાણ કરીને આ વ્‍યવસાયનો પાયો નાખવામાં આવ્‍યો હતો. હેતુ માત્ર ચા વેચવાનો નહોતો, પરંતુ ગામની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો પણ હતો. ધીમે-ધીમે લોકોને આ ચા પસંદ આવવા લાગી અને ત્‍યારબાદ ઓનલાઈન ઓર્ડર પણ મળવા લાગ્‍યા હતા.

વિદુર પ્રેરણા સ્‍વદેશી હર્બલ ટી'ની માગ સતત વધી રહી છે. આ જૂથને દિલ્‍હી સહિત અનેક શહેરોમાંથી ઓર્ડર મળી રહ્યા છે. વધતી માગને કારણે આ વ્‍યવસાયનો વાર્ષિક ટર્નઓવર હવે લગભગ રૂા.૧૫ લાખ સુધી પહોંચી ગયો છે. ઓર્ડર મુજબ જ ચા તૈયાર કરવામાં આવે છે, જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે.

આ સ્‍વ-સહાય જૂથ સાથે હાલમાં ૧૧ મહિલાઓ જોડાયેલી છે. ચા બનાવવાથી લઈને પેકિગ, લેબલ લગાવવાનું અને ઓર્ડર મોકલવાનું આખું કામ આ મહિલાઓ જ સંભાળે છે. આ કામથી દરેક મહિલાને દર મહિને લગભગ રૂા.૮,૦૦૦થી રૂા.૧૦,૦૦૦ સુધીની આવક થાય છે. જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્‍થિતિ પણ અગાઉ કરતાં સારી થઈ છે

આ ચામાં ગિલોય, જેઠીમધ, કાચી હળદર, એલચી અને વરિયાળી જેવી વસ્‍તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મહિલાઓનું કહેવું છે કે, આ તમામ વસ્‍તુઓ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકોને આ ચા ખૂબ પસંદ આવી રહી છે.

હર્બલ ટીનું ૧૦૦ ગ્રામનું પેકેટ તૈયાર કરવામાં આવે છે. પેકેટ પર તેની કિમત રૂા.૩૫૦ લખેલી હોય છે, પરંતુ આ ગ્રુપ તેને રૂા.હ૩૦૦માં વેચે છે. તેમને ઓનલાઈન તેમજ સીધા ગ્રાહકો પાસેથી પણ ઓર્ડર મળે છે.

કામનો વિસ્‍તાર વધ્‍યા બાદ ગ્રુપને મુખ્‍યમંત્રી યુવા સ્‍વરોજગાર યોજના હેઠળ રૂા.૧૦ લાખની લોન પણ મળી હતી. આ સહાયથી ઉત્‍પાદન વધારવામાં અને વ્‍યવસાયને આગળ વધારવામાં સરળતા થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ સફળતાથી અન્‍ય મહિલાઓ પણ પોતાનો વ્‍યવસાય શરૂ કરવા માટે પ્રેરિત થશે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં નામ આવ્‍યા બાદ આ હર્બલ ટીને સમગ્ર દેશમાં નવી ઓળખ મળી છે. જૂથની સંચાલિકા બબીતા રાણીનું કહેવું છે કે, તેમના માટે આનાથી મોટું સન્‍માન બીજું કંઈ હોઈ શકે નહીં. હવે તેમને આશા છે કે આગામી સમયમાં દેશના અન્‍ય વિસ્‍તારોમાંથી પણ વધુ ઓર્ડર મળશે અને ગામની વધુ મહિલાઓને રોજગારની તક મળશે

(1:25 PM IST)