તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
મુંબઈમાં ભારે વરસાદથી પશ્ચિમ રેલવેનો વાહનવ્યવહાર ખોરવાયો : ગુજરાત જતી અનેક ટ્રેનો રદ : ઘણી ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર
વસઈ રોડ-નાલાસોપારા સહિતના રૂટ પર પાટા પર પાણી ભરાતા ટ્રેનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત : અમદાવાદ, સુરત, વાપી, વલસાડ સહિતના મુસાફરોને ભારે હાલાકી

મુંબઈ, તા. ૭ જુલાઈ: મુંબઈમાં સોમવારે પડેલા અનરાધાર ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના વસઈ રોડ, નાલાસોપારા, સફાલે અને કેલવે રોડ સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા અનેક મેઇલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ અને શોર્ટ-ઓરિજિનેટ કરવામાં આવી છે, જેની સીધી અસર ગુજરાત તરફ જતી અને ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોના મુસાફરો પર પડી છે.
લાંબા અંતરની ટ્રેનો કલાકો મોડી - મુસાફરો અટવાયા:
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ અને દાદરથી ઉપડતી અનેક લાંબા અંતરની ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે બાંદ્રા ટર્મિનસ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ, બાંદ્રા ટર્મિનસ-હિસાર, બાંદ્રા ટર્મિનસ-અમૃતસર, બાંદ્રા ટર્મિનસ-વેરાવળ, મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને દાદર-હનુમાનગઢ એક્સપ્રેસ સહિતની ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં કલાકોના વિલંબથી દોડી રહી છે.
અનેક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો સંપૂર્ણ રદ:
રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક ટ્રેનો સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી છે:
• બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
• જયપુરથી બાંદ્રા ટર્મિનસ આવતી સ્પેશિયલ ટ્રેનને ઉધના સ્ટેશને જ સમાપ્ત કરી દેવાઈ હતી, જેથી ઉધના અને બાંદ્રા ટર્મિનસ વચ્ચેનો તેનો પ્રવાસ આંશિક રીતે રદ રહ્યો હતો.
• વલસાડ-વિરાર પેસેન્જર, મુંબઈ સેન્ટ્રલ-વાપી પેસેન્જર અને વાપી-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર ટ્રેનો પણ રદ કરી દેવાઈ છે.
• આ ઉપરાંત દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મેળવતી વિરાર-સુરત એક્સપ્રેસની સેવા પણ રદ કરવામાં આવી છે.
ગુજરાતના સ્ટેશનો પર ટ્રેનો શોર્ટ-ટર્મિનેટ કરાઈ:
ભારે વરસાદ અને ટ્રેક પર પાણી હોવાના કારણે કેટલીક ટ્રેનોને મુંબઈ સુધી લઈ જવાને બદલે નિર્ધારિત સ્ટેશન પહેલાં જ રોકી દેવામાં આવી હતી (શોર્ટ-ટર્મિનેટ):
• અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ: વલસાડ ખાતે જ રોકી દેવાઈ.
• જોધપુર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ: વાપી ખાતે શોર્ટ-ટર્મિનેટ કરાઈ.
• અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ: સુરત સ્ટેશને જ અટકાવી દેવાઈ.
• અજમેર-દાદર એક્સપ્રેસ: નવસારી ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી.
• જ્યારે બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસને મુંબઈના બદલે વલસાડથી શરૂ (શોર્ટ-ઓરિજિનેટ) કરવામાં આવી હતી.
લોકલ અને મેમુ ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા:
મુંબઈની જીવાદોરી સમાન ઉપનગરીય લોકલ ટ્રેન સેવાઓ પર પણ આ આકાશી આફતની અસર જોવા મળી હતી. દહાણુ રોડ-બોરીવલી લોકલ ટ્રેનને વિરાર સુધી જ ચલાવવામાં આવી હતી, જ્યારે બોરીવલી-વલસાડ મેમુ સેવા બોરીવલીના બદલે વિરાર સ્ટેશનથી શરૂ કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેએ તમામ મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે તેઓ મુસાફરીએ નીકળતા પહેલાં ટ્રેનનું લાઇવ સ્ટેટસ ચોક્કસ તપાસી લે અને સમયસર સ્ટેશન પર પહોંચે. રેલવે તંત્રે ખાતરી આપી છે કે ટ્રેક પરથી પાણી ઉતરતાં જ ટ્રેનવ્યવહારને ઝડપથી સામાન્ય બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
(7:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
