<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે પુરની સ્થિતિ:100થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો : યાત્રાઓ રોકી દેવાઈ

શ્રી અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા અને શિવખોડી યાત્રા સતત ત્રીજા દિવસે સ્થગિત: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઠપ્પ:જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો :તાવી, ચેનાબ સહિતના મુખ્ય નદી-નાળા બે કાંઠે

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂર, વાદળ ફાટવાની ઘટનાઓ અને સતત થઈ રહેલા ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં 100થી પણ વધુ ગામડાઓનો મુખ્ય જિલ્લા મથકો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે, જેના કારણે હજારો લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.

કુદરતી હોનારત અને માર્ગો પર સર્જાયેલા જોખમને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા મહત્વના નિર્ણય લેવાયા છે. જે અંતર્ગત પવિત્ર શ્રી અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા અને શિવખોડી યાત્રા સતત ત્રીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે.

ઉધમપુર અને રામબન જિલ્લામાં પહાડો પરથી પથ્થરો અને માટી ધસી પડવાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઠપ્પ થઈ ગયો છે. જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો હતો.

તાવી, ચેનાબ સહિતના મુખ્ય નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. રિયાસી ખાતે ચેનાબ નદી પર બનેલા સલાલ ડેમના તમામ દરવાજા સાવચેતીના ભાગરૂપે ખોલી દેવામાં આવ્યા છે.

હિમાચલ પ્રદેશ: કાંગડાની બોહ ઘાટીમાં મંગળવારે અચાનક વાદળ ફાટતા પૂર આવતા 9 મકાનો તણાઈ ગયા હતા જ્યારે 7 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. કિન્નોર પાસે શિમલા-કિન્નોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 20 કલાક બંધ રહ્યા બાદ માંડ શરૂ કરાયો હતો.

ઉત્તરાખંડ: વરસાદના કારણે સોમવારે અટકાવાયેલી ચારધામ યાત્રા મંગળવારે પુનઃ શરૂ તો કરાઈ છે પરંતુ રસ્તાઓ અત્યંત જોખમી બન્યા છે. પિથોરાગઢમાં ચીન સરહદને જોડતો તવાઘાટ-લિપુલેખ (કૈલાસ માનસરોવર) માર્ગ ભૂસ્ખલનને કારણે સંપૂર્ણપણે ઓવરુદ્ધ થઈ ગયો છે.

જમ્મુ-કાશ્મીરમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે છેલ્લા ત્રણ દિવસમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં સૌથી વધુ 21 મોત રાજૌરી અને પૂંચ જિલ્લામાં નોંધાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ટેલિફોનિક વાતચીત કરી પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાહત, બચાવ અને પુનર્વસન કામગીરી માટે તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે.

(12:24 AM IST)