<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

દિલ્હી-રાજધાની ક્ષેત્રમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, વાહનવ્યવહાર ખોરવાયો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન

હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી, ગુરુગ્રામ અને નોઇડામાં તંત્રએ બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા કહ્યું

નવી દિલ્હી, તા. ૬ : દિલ્હી અને રાજધાની ક્ષેત્રમાં સતત વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ગુરુગ્રામમાં જનજીવન અને વાહનવ્યવહારને વધુ અસર થતાં જિલ્લા તંત્રે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા તથા પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

 

દિલ્હી ટ્રાફિક પોલીસે વાહનચાલકોને જળબંબાકાર વિસ્તારોમાં વાહનો ઊભાં નહીં રાખવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવ્યું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સફદરજંગમાં સવારે સાડા આઠથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ૨૯.૮૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. છતરપુરમાં ૩૯.૫, પાલમમાં ૩૫.૬, ગુરુગ્રામમાં ૨૭ અને નોઇડામાં ૨૨.૫ મિલીમીટર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે દિલ્હી માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તંત્રએ પાણી નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા માટે ટીમો તહેનાત કરી છે.

(11:42 AM IST)