તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
બેંગલુરુમાં કાળમુખો વરસાદ: દિવાલ ધરાશાયી થતા 3 બાળકો સહિત 7 શ્રમિકોના કરુણ મોત
ભારે પવન અને વરસાદથી બચવા દિવાલનો સહારો લેવો ભારે પડ્યો: મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા મૃતકોના વારસદારોને ₹5 લાખની સહાય અને તપાસના આદેશ

બેંગલુરુ: બેંગલુરુની બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ પાસે બુધવારે સર્જાયેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં સાત નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં વરસેલા ભારે વરસાદ અને ફૂંકાયેલા જોરદાર પવનથી બચવા માટે કેટલાક શેરી વિક્રેતાઓ હોસ્પિટલની કમ્પાઉન્ડ દિવાલ પાસે આશ્રય લઈ રહ્યા હતા, ત્યારે જ જૂની દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ માસૂમ બાળકો સહિત કુલ સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય તેજ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોના હાલચાલ જાણ્યા હતા અને મૃતકોના પરિવારજનોને ₹5 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ મામલે તંત્રની બેદરકારી તપાસવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ જારી કર્યા છે.
નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ પોતાની તમામ બેઠકો રદ કરી ઘટનાસ્થળની સમીક્ષા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકો મુખ્યત્વે ગરીબ શ્રમિકો અને ફેરિયાઓ હતા જેઓ વરસાદથી બચવા ત્યાં ઊભા રહ્યા હતા. આ ઘટનાએ બેંગલુરુના જૂના અને જોખમી બાંધકામો સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
