<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : APMC શાક માર્કેટમાં પાણી ભરાયા: સાયન-પનવેલ હાઈવે પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ

APMC ઉપરાંત મેફકો માર્કેટ તરફ જતો માર્ગ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયો જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

નવી મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ, વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ યલો એલર્ટ જાહેર કરીને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

 

 

ભારે વરસાદના કારણે નવી મુંબઈના APMC શાકભાજી માર્કેટના મુખ્ય પ્રવેશદ્વાર પર પાણી ભરાઈ ગયું હતું. ગેટની બહાર પાણી ભરાતા વેપારીઓ, ગ્રાહકો અને માલસામાન લાવતા વાહનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. ઘણા લોકોને ઘૂંટણ સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થઈને બજારમાં જવું પડ્યું હતું. વરસાદી પાણીના કારણે બજારની દૈનિક કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. APMC ઉપરાંત મેફકો માર્કેટ તરફ જતો માર્ગ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો. જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી હતી અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

સતત વરસાદને કારણે જુઈનગર રેલવે સ્ટેશન નજીક સાયન-પનવેલ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયું હતું. ખાસ કરીને મુંબઈ તરફ જતાં માર્ગ પર પાણી ભરાવાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. પરિણામે હાઈવે પર અંદાજે 2થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે હજારો વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

 

છેલ્લા બે દિવસથી નવી મુંબઈ અને થાણે જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ યલો એલર્ટ જાહેર કરીને દિવસભર મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે.

(12:14 PM IST)