તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ભારે કરીઃ નારિયેળમાં ઓછું પાણી નીકળતા રોડ પર ધબધબાટી
શરૂઆતમાં થયેલી બોલાચાલી જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

લખનઉ તા.૨૭: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિભૂતિખંડ વિસ્તારમાં નાળિયેરમાં પાણી ઓછું નીકળવાની ફરિયાદને લઈને ગ્રાહકો અને નાળિયેર વેચનારાઓ વચ્ચે રોડ પર ધબધબાટી બોલાવી હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે આ કેસમાં સાત લોકોને અટકાયતમાં લીધા છે, જ્યારે ચાર આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક ગ્રાહકો નાળિયેર ખરીદવા માટે લારી પર પહોંચ્યા હતા. નાળિયેરમાંથી પાણી ઓછું નીકળતાં તેમણે લારીવાળા સામે ફરિયાદ કરી હતી. આ જ મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ધીમે ધીમે વિવાદ વધતો ગયો અને અંતે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિવાદ ઉગ્ર બનતાં નાળિયેર વેચનારાઓમાંથી એક વ્યક્તિએ કથિત રીતે લાકડાનું પાટિયું લઈને કેટલાક લોકોને માર માર્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ઘટનાને કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
જોકે, લાકડાના પાટિયાથી માર મારવામાં આવ્યો હોવાના પ્રત્યક્ષદર્શીઓના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને વિવાદ પાછળનાં કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.
લખનઉના પૂર્વ વિસ્તારનાં ડીસીપી દીક્ષા શર્માએ જણાવ્યું હતું કે આ ઘટનામાં સાત લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. તેમણે જણાવ્યું કે વિવાદમાં સામેલ લોકોમાં નાળિયેર વેચનારાઓ અને નાળિયેર ખરીદવા આવેલા ગ્રાહકોનો સમાવેશ થાય છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
