<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ભારે કરી! ખચાખચ ભરેલા હોલમાં કોઈએ એવો ગેસ છોડયો કે ૧૨૦૦૦ લોકોની હાલત ખરાબ થઈ ગઈ

ઘટના બ્રિટનના મેનચેસ્‍ટર શહેરના કો-ઓપ લાઈવ એરિનાનીઃ અચાનક લોકોની હાલત ખરાબ થવા લાગી : હજારો લોકોની ભીડ વચ્‍ચે એક સાથે બહાર નીકળવાની સ્‍થિતિ ઊભી થવાથી આખા વિસ્‍તારમાં અફરાતફરી મચી ગઈ

મેનચેસ્‍ટર  તા.૨૫: ફેમસ સિગર અને રેપર ડોન ટોલિવરના કોન્‍સર્ટમાં ત્‍યારે ભારે હોબાળો થયો, જ્‍યારે ભીડની વચ્‍ચે કંઈક અજીબ થવા લાગ્‍યું. અચાનક લોકોની હાલત ખરાબ થવા લાગી. ચારે તરફ ચીસો અને બૂમાબૂમ થવા લાગી. કોન્‍સર્ટ જોવા આવેલા ૧૨ હજારથી વધારે લોકોની સિક્‍યોરિટી સુધી વાત પહોંચી. શરુઆતી જાણકારીમાં તો તેને ટિયર ગેસ સાથે જોડીને જોવામાં આવે છે, જો કે, હજુ સુધી એ સ્‍પષ્ટ નથી થયું કે આ ગેસ અથવા વસ્‍તુ કોણે અને કેવી રીતે છોડ્‍યો? અચાનક બનેલી આ ઘટનાથી કોન્‍સર્ટનો માહોલ ક્ષણવારમાં બદલાઈ ગયો અને ત્‍યાં હાજર હજારો લોકોની વચ્‍ચે અફરાતફરી મચી ગઈ.

આ ઘટના બ્રિટનના મેનચેસ્‍ટર શહેરના કો-ઓપ લાઈવ એરિનાની છે. રિપોર્ટ અનુસાર, રવિવાર રાતના લગભગ ૧૦ વાગ્‍યે ગ્રેટર મેનચેસ્‍ટર પોલીસને સૂચના મળી કે કોન્‍સર્ટમાં આવેલા કેટલાય લોકોને કોઈ વસ્‍તુની અસર બાદ તકલીફ થવા લાગી. શરુઆતમાં આશંકા હતી કે ત્‍યાં ટિયર ગેસ જેવો કોઈ પદાર્થ છોડવામાં આવ્‍યો છે.

ખચાખચ ભરેલા હોલમાં અચાનક એવી તકલીફ શરુ થવાથી લોકોની વચ્‍ચે ગભરાટ ફેલાઈ ગઈ. લોકો પોતાની સીટ અને જગ્‍યા છોડી બહારની તરફ નીકળવા લાગ્‍યા. હજારો લોકોની ભીડ વચ્‍ચે એક સાથે બહાર નીકળવાની સ્‍થિતિ ઊભી થવાથી આખા વિસ્‍તારમાં અફરાતફરી મચી ગઈ અને સુરક્ષા વ્‍યવસ્‍થા સામે મોટો સવાલ ઊભો થવા લાગ્‍યો.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવ્‍યા હતા, જેમાં કોન્‍સર્ટમાંથી બહાર નીકળતા લોકો ખાંસી ખાતા અને મોઢું ઢાંકતા જોવા મળ્‍યા હતા. ઘણા લોકોએ જણાવ્‍યું હતું કે તેમની આંખોમાં બળતરા થઈ રહી હતી અને શ્વાસ લેવામાં પણ મુશ્‍કેલી પડી રહી હતી.

ઘટનાની જાણ થતાં ઇમરજન્‍સી સેવાઓ અને મેડિકલ ટીમો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી હતી. તેમણે ૫૦થી વધુ લોકોની તપાસ કરી હતી. નોર્થ વેસ્‍ટ એમ્‍બ્‍યુલન્‍સ સર્વિસના જણાવ્‍યા અનુસાર, એક વ્‍યક્‍તિને સારવાર માટે હોસ્‍પિટલમાં પણ દાખલ કરવો પડ્‍યો હતો. સાવચેતીના ભાગરૂપે એરેના (સ્‍ટેડિયમ)ની અંદર ડીકન્‍ટેમિનેશન એટલે કે અસરકારક પદાર્થની અસર દૂર કરવાની અને સફાઈ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જેથી અન્‍ય કોઈને જોખમ ન રહે.

પરિસ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસે આ ઘટનાને 'મેજર ઇન્‍સિડેન્‍ટ' એટલે કે મોટી કટોકટી જાહેર કરી હતી. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્‍યો હતો, જેથી તમામ ઇમરજન્‍સી અને બચાવ સેવાઓ એકસાથે મળીને ઝડપથી અને યોગ્‍ય રીતે કામગીરી કરી શકે.

અસિસ્‍ટન્‍ટ ચીફ કોન્‍સ્‍ટેબલ સ્‍ટેફ પાર્કરે અપીલ કરી હતી કે કોન્‍સર્ટમાં હાજર રહેલા કોઈપણ વ્‍યક્‍તિને ત્‍યારબાદ તબિયત ખરાબ થવા કે અન્‍ય કોઈ પ્રકારની તકલીફ અનુભવાય તો તેણે તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં જઈને ડોક્‍ટરની સલાહ લેવી જોઈએ. પોલીસે એમ પણ જણાવ્‍યું હતું કે તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે એ કયો પદાર્થ હતો અને તે એરેના (સ્‍ટેડિયમ)ની અંદર કેવી રીતે પહોંચ્‍યો.

સ્‍ટેફ પાર્કરના જણાવ્‍યા અનુસાર, તપાસ એજન્‍સીઓ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે સમગ્ર ઘટના કેવી રીતે બની અને તેની પાછળ કોણ જવાબદાર છે અથવા તેનું કારણ શું હતું?

કોપ લાઇવ એરેનાના મેનેજમેન્‍ટે પણ જણાવ્‍યું હતું કે સમગ્ર મામલાની સત્‍યતા બહાર લાવવા માટે તેઓ પોલીસને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. મોટા કોન્‍સર્ટ અને ભીડભાડવાળા કાર્યક્રમોમાં સુરક્ષા હંમેશાં સૌથી મોટો મુદ્દો હોય છે. જ્‍યારે એક જ જગ્‍યાએ ૧૨ હજારથી વધુ લોકો એકઠા થયા હોય, ત્‍યારે કોઈપણ શંકાસ્‍પદ પદાર્થ કે ગેસ ફેલાવાની ઘટનાથી નાસભાગ મચવાનો ખતરો રહે છે. આ જ કારણસર વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્‍સીઓએ તાત્‍કાલિક પગલાં લઈને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને પરિસ્‍થિતિને કાબૂમાં લેવા પર ભાર મૂક્‍યો હતો.

આ ઘટના એવા સમયે બની હતી, જ્‍યારે અમેરિકન રેપર અને સિગર ડોન ટોલિવરના બ્રિટનની રાજધાની લંડનમાં આગામી કાર્યક્રમો યોજાવાના હતા. તેમના નાઇટ્રસ ટૂર અંતર્ગત સોમવારે લંડનના બ્‍૨ એરેના અને મંગળવારે બ્‍સ્‍બ્‍ એરેના વેમ્‍બલીમાં શો યોજાવાના હતા.

ડોન ટોલિવર ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થઈ ચૂક્‍યા છે અને તેઓ ટ્રેપ તથા આર એન્‍ડ બી મ્‍યુઝિક માટે જાણીતા છે. આ ઉપરાંત, તેમનું નામ આગામી ગ્રાન્‍ડ થેફટ ઓટો (GTA) ગેમના સાઉન્‍ડટ્રેક સાથે પણ જોડાયેલું છે. તેમના કોન્‍સર્ટમાં મોટી સંખ્‍યામાં યુવાનો અને સંગીતપ્રેમીઓ હાજરી આપે છે. આથી આ ઘટનાએ તેમના ચાહકોમાં પણ ચિતા ઊભી કરી છે.

(10:15 AM IST)