<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ભારે કરી! ઘરની ભેંસ વેચી યુવકે ગર્લફ્રેન્‍ડ સાથે લગ્ન કરી લીધા, પરિવારે ઊભા રોડે દોડાવી-દોડાવીને ધોઇ નાખ્‍યો

બિહારના સમસ્‍તીપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો

સમસ્‍તીપુર તા.૧૭: બિહારના સમસ્‍તીપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. અહીં એક યુવકે ભેંસ વેચીને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે. યુવકના આ નિર્ણયથી તેના પરિવારમાં ભારે હોબાળો મચી ગયો અને તેના પરિવારના લોકોએ તેને ખૂબ માર્યો.

લગ્ન બાદ પરિવારમાં એવો હોબાળો થયો કે, મામલો રોડ પર આવી ગયો. વરરાજાની બહેન થાનેશ્વર મંદિર નજીક જઈને ભારે હોબાળો કર્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સમસ્‍તીપુરના થાનેશ્વર મંદિર નજીકનો છે.

જાણકારી અનુસાર, યુવકે પોતાની ભેંસ વેચીને લગ્નનો ખર્ચો કાઢ્‍યો અને પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના સમાચાર મળતા વરરાજાના પરિવારમાં નારાજગી ફેલાઈ. કહેવાય છે કે વરરાજાની બહેને આ વાતને લઈ ભારે હંગામો કર્યો હતો.

આ ઘટનાનો કોઈએ વીડિયો ઉતારી લીધો. વીડિયોમાં મંદિર પરિસર બહાર હોબાળો અને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વીડિયોમાં બહેન કહે છે કે, જો આ લગ્ન કરીશ તો ફાડી નાખીશ. વળી છોકરો કહે છે કે પ્રેમિકાને અડીને જોઈ જો, અહીંયા દાટી દઈશ. આ હોબાળાની જાણ થતાં પોલીસ પણ તાત્‍કાલિક ઘટના સ્‍થળે આવી પહોંચી. પોલીસે બંને પક્ષને સમજાવી મામલો શાંત પાડ્‍યો. હાલમાં બંને પક્ષ તરફથી કોઈ લેખિતમાં ફરિયાદ નથી મળી. પોલીસ આ સમગ્ર મામલની જાણકારી એકઠી કરી રહી છે.

ઘટનાસ્‍થળે પર ઘણી વાર સુધી અફરાતફરી મચી. રાહદારીઓની ભીડ એકઠી થઈ અને કોઈએ આ આખી ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હોબાળાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને બંને પક્ષને સમજાવી મામલો થાળે પાડ્‍યો.

પ્રેમ લગ્ન અને પારિવારિક વિરોધનો આ મામલો સમસ્‍તીપુરમાં ચર્ચાનો વિષય બન્‍યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સ્‍થાનિક લોકોની વચ્‍ચે એવી પણ ચર્ચા છે કે, આ કપલે મંદિરમાં લગ્ન કરતા પહેલા કોર્ટ મેરેજ પણ કરી લીધા છે. જો કે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વળી બંનેની ઉંમરને લઈને પણ કોઈ ડોક્‍યુમેન્‍ટ જાહેર કર્યા નથી.

(9:51 AM IST)