<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ભારે કરી! ૩૪ વર્ષ જૂના કેસમાં ૮૫ વર્ષના દાદા દોષિત ઠર્યા, સરખી રીતે ચાલી પણ નથી શકતા

લાકડીના ટેકે, ચપ્‍પલ હાથમાં લઈ કોર્ટમાં આવ્‍યા હતા

વૈશાલી,તા.૩: બિહારના વૈશાલી જિલ્‍લાનો એક વીડિયોએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વૃદ્ધ માણસ હાથમાં દંડો અને ચપ્‍પલ લઈ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતા દેખાય છે. તે પોતાની સજા સાંભળવા માટે કોર્ટમાં જઈ રહ્યો છે. જ્‍યાં ૩૪ વર્ષ પછી એક જૂના કેસમાં તેમને દોષિત ઠેરવ્‍યા છે. આ વૃદ્ધ માણસની ઉંમર ૮૫ વર્ષની છે.

વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે વૃદ્ધનું શરીર હવે સાથ નથી આપી રહ્યું. તેને ઉઠવા-બેસવા માટે પણ બે લોકોની જરૂર પડી રહી છે. પણ કાયદાનો દંડો ચાલે ત્‍યાં ઉંમરની લાચારી પણ કામ નથી આવતી. હકીકતમાં આ આખો કેસ વૈશાલીના રાઘોપુરના જુડાવનપુરનો છે. જ્‍યાં ૩૪ વર્ષ જૂના જીવલેણ હુમલામાં કોર્ટે મોટો ચુકાદો આપતા આ વૃદ્ધને દોષિત ઠેરવ્‍યા હતા.

આ ઘટના ૧૯૯૨ની છે, જ્‍યાં આપસી વિવાદમાં દંપતી પર ફાયરિગ અને જીવલેણ હુમલો કરવાના આરોપમાં એક જ પરિવારના ૫ લોકોને દોષિત હોવાનું ગણાવી કેસ નોંધાવ્‍યો હતો. જો કે કેસની સુનાવણી દરમ્‍યાન ૫માંથી ૪ આરોપીઓના મોત થઈ ગયા હતા, પણ એક આરોપી બચી ગયો હતો, જેનું નામ દીપ રાય છે. આ કેસમાં સોમવારે સુનાવણી પૂરી થયા બાદ અપર જિલ્‍લા કોર્ટે આર્મ્‍સ એક્‍ટ અંતર્ગત દીપ રાયને દોષિત ઠેરવ્‍યા.

પીડિત પરિવારે ૧૦ મે ૧૯૯૨ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે જ્‍યારે તે પોતાની પત્‍ની સાથે દરવાજા પર બેઠો હતો, ત્‍યારે આરોપીએ ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. આ મામલામાં પોલીસે ૧૯૯૩માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને ૩૪ વર્ષ પછી કોર્ટમાંથી ચુકાદો આવ્‍યો, જેમાં સજાની જાહેરાત થશે.

 

(10:07 AM IST)