તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
પાકિસ્તાન-અફઘાન સરહદે ભારે રક્તપાત: સેનાએ ૩૬ કલાકના મોટા ઓપરેશનમાં TTP ના ૧૫ આતંકવાદીઓને ઠાર માર્યા!
ઉત્તર વઝીરિસ્તાનમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ: પાકિસ્તાનનો અફઘાન તાલિબાન સરકાર પર પ્રહાર - "આતંકવાદીઓને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ"

ઇસ્લામાબાદ | તા.૦૩: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને પાકિસ્તાની સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધો છે. અશાંત ખૈબર પખ્તુનખ્વા (KPK) પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન વિસ્તારમાં ચાલેલા ૩૬ કલાકના આક્રમક સૈન્ય ઓપરેશનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ૧૫ આતંકવાદીઓ માર્યા ગયા છે.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના જણાવ્યા અનુસાર, 'ફિત્ના અલ-ખ્વારિજ' જૂથ સાથે જોડાયેલા આ આતંકવાદીઓએ ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરની મધ્યરાત્રિ દરમિયાન અફઘાનિસ્તાન સરહદ પરથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આ સતત ચાલેલી અથડામણમાં ૧૫ આતંકવાદીઓ ઠાર થયા હતા અને તેમની પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો તેમજ દારૂગોળો કબજે કરવામાં આવ્યો છે.
આ ઘટના બાદ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ISPR એ નિવેદન જારી કરીને જણાવ્યું કે, આ ઘટનાથી ફરી એકવાર સાબિત થાય છે કે અફઘાન તાલિબાન શાસન પોતાની ભૂમિનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી આતંકવાદી સંગઠનો દ્વારા થતો અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે અને પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મંગળવારે પણ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ચાગાઈ અને પિશિન જિલ્લામાં સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે થયેલી બે અલગ-અલગ ભયાનક અથડામણોમાં ૨૧ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ અને એક કસ્ટમ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
